જો બારણું તૂટે તો સરખું કરાય પાછું

001જો બારણું તૂટે તો સરખું કરાય પાછું,
વાતાવરણ એ ઘરનું ક્યાંથી લવાય પાછું?

ગઈકાલ જે વીતી ગઈ એ ઓરડો નથી કૈં,
કે મન પડે તરત એમાં જઈ શકાય પાછું.

હો વૃદ્ધ કોઈ એને દૂધિયા જો દાંત ફૂટે,
તો શક્ય છે કે બાળક જેવું થવાય પાછું.

કરમાઈ જે ગયું છે એ પુષ્પને ફરીથી,
એના જ મૂળ રૂપે ક્યાંથી લવાય પાછું ?

નિશ્ચય કરીને ગ્યા છો તો પાર પાડી આવો,
આ સાવ હાથ ખાલી લઈને અવાય પાછું ?

એવી જગાએ આવી થંભી ગયા છીએ કે,
જ્યાં ના વધાય આગળ કે ના વળાય પાછું.

અનિલ ચાવડા

Advertisements

પ્રણય નામક એ બીમારી મને માફક નહીં આવે

પ્રણય નામક એ બીમારી મને માફક નહીં આવે;
બધાં સામે ગુનેગારી મને માફક નહીં આવે.

પડી ગઈ છે મને તો ટેવ પથ્થર પૂજવાની કે-
હવે ઈશ્વર નિરાકારી મને માફક નહીં આવે.

હું કાયમ જોઉં છું એ રીતથી જોવા મળે તો ઠીક;
તમારી બંધ આ બારી મને માફક નહીં આવે.

નહીં આવું હવે જ્યારે તમે બોલાવશો ત્યારે;
તમારી પ્રીત વ્યવહારી મને માફક નહીં આવે.

કરે છે હાસ્ય મુજ સામે ને ગુસ્સો પીઠની પાછળ;
સ્વજન તારી કલાકારી મને માફક નહીં આવે.

કહો તો હું આ ઝંઝીરો પહેરી લઉં હવે હાથે;
કે ઝૂલ્ફોની ગિરફ્તારી મને માફક નહીં આવે !!

એ આવી જાય જો ‘પ્રત્યક્ષ’ તો એને મળી લઉં હું;
કે મારી મોત પરબારી મને માફક નહીં આવે.

રવિ દવે ‘પ્રત્યક્ષ’

તું પ્રેમ તારો ત્યાંથી જરાપણ હટાવમા

તું પ્રેમ તારો ત્યાંથી જરાપણ હટાવમા !
એ બેવફાની વાતો વફામાં તું લાવમા !

ઇન્સાન વચ્ચે યા રબ ! કયામતમાં આવમા !
રાખ્યો છે ઠેઠ સુધી એ પડદો હટાવમા !

લાયક જગા ઉપર જઈને રડવાનું રાખજે,
આ દિલના દર્દને તું ગમે ત્યાં વહાવમા !

ખંજન ની ખીણ , લટની આ ભૂલભૂલામણી ;
સામાન મોતનો છે , કહ્યું’તુંને ત્યાં જાવમાં !

એનાથી પણ છે બદતર , જગતના અનુભવો ;
દોઝખની બીક જાહિદ ! મને તું બતાવમા !

એક એક ઘૂંટ પીને મજા લે ! વિસામો લે !
પંડિત ! તું શ્લોક માફક સુરા ગટગટાવમા !

હું તારી ના ને ‘ હા ‘ માં પલ્ટાવીને રહીશ ;
મુસાની જીદ હજુ પણ છે મારા સ્વભાવમાં .

‘કાયમ’ મરણ પછી ની નવાજિશ નું શું કરું ?
વેચાયું છે જીવન જ્યાં મફતના જ ભાવમાં .

‘કાયમ’ હઝારી

નથી ભૂલ્યો તમારા દ્રાર, આ પગથારને પૂછો

નથી ભૂલ્યો તમારા દ્રાર, આ પગથારને પૂછો;
અમારી સાધના માટે તમારા દ્રારને પૂછો.

અરે અા પ્રશ્ર્ન કેવો કે જીગર કેવું અમારૂ છે;
અમોને શુ પૂછો છો ? આપની તલવારને પૂછો.

અમારા પર તમોને પ્યાર છે એ વાત સાબીત છે;
તમારા આ વદન પરના બધા અણસારને પૂછો.

અમે માણી મજા કેવી પ્રલય, આંધી, તૂફાનોની;
કીનારાથી જઇ આઘે જરા મઝધારને પૂછો.

અમારા પર કરી જાુલ્મો તમે પણ ચોટ ખાધી છે;
જઇ દર્પણની સામે આપના દીદારને પૂછો.

તમારા નામની કરી છે સાધના નીશદીન કેવી;
જરા છેડી તમે આ ઉર-વીણાના તારને પૂછો.

અમે તો આગ જેવી આગ પોષી છે આ દીલમાં
સરી જાતી નયનની ઊની અશ્રુધારને પૂછો.

મીલન કે જુદાઇમાં મજા કેવી સમાઇ છે;
કો’ દીપકને, પતંગાને, ગુલોને, ખારને પૂછો.

મીલન કેરી ઉતાવળનુ મને પૂછો નહીં “નાઝિર”
હ્દયની વાત છે માટે હ્દય-ધબકારને પૂછો.

નાઝિર દેખૈયા

થોડીક હૂંફ મળતાં હું પીગળી ગયો છું

થોડીક હૂંફ મળતાં હું પીગળી ગયો છું,
ઢોળાવની દિશામાં કાયમ ઢળી ગયો છું.

મહેંકી જવાની ઈચ્છા દિલમાં હતી પરંતુ,
હાલત ફૂલોની જોઈ પાછો વળી ગયો છું.

નફ્ફટ ઉદાસી એવી વળગી પડી છે જાણે,
વર્ષો પછી હું એને મળતાં મળી ગયો છું

ગઝલો લખું છું એનું કારણ પૂછો તો એક જ,
ભીતર રહેલ ટહુકો હું સાંભળી ગયો છું

મેકપ કરીને આવે કે રૂપ બદલી બીજું
અય મોત !તારા પગલાં પળમાં કળી ગયો છું

જુગલ દરજી ‘માસ્તર’

બોલવા ટાણે જ ચૂપ રહેવું નથી ગમતું મને

001

બોલવા ટાણે જ ચૂપ રહેવું નથી ગમતું મને,
પણ બધાની રૂબરૂ કહેવું નથી ગમતું મને.

એકલો ભટક્યા કરું છું, એનું કારણ એ જ છે,
ઘરની વચ્ચે એકલું રહેવું નથી ગમતું મને.

આંખમાં આવીને પાછા જાય એનું મૂલ્ય છે,
આંસુઓનું આ રીતે વહેવું નથી ગમતું મને.

આમ તો કૂદી પડુ છું હું પરાઇ આગમાં,
મારું પોતાનું જ દુ:ખ સહેવું નથી ગમતું મને.

મિત્ર અથવા શત્રુઓની વાત રહેવા દે ખલીલ,
એ વિશે તો કાંઇ પણ કહેવું નથી ગમતું મને.

ખલીલ ધનતેજવી

જીવી ગયો એ દીવસો દુષ્કર ઘણા હતાં

1

જીવી ગયો એ દીવસો દુષ્કર ઘણા હતાં
ઝખ્મો બહાર કરતાં અંદર ઘણા હતા

એકાદ બારણુંયે ભૂલથી ખુલ્યું નહી
બાકી હું તરફડ્યો જ્યાં ત્યાં ઘર ઘણાં હતા

ઇનકાર નાચવાનો જાતે જ મેં કર્યો તો
નહીતર તો મારી પાસે ઝાંઝર ઘણા હતાં

જેમાં પરાણે એક જ શ્રીફળ સમાતું ન્હોતું
એ એક ગોખલામાં ઇશ્વર ઘણા હતા

પંપાળનાર માથુ મા એકલી હતીને
માથામાં વાગનારા પથ્થર ઘણાં હતા

–  ચંદ્રેશ મકવાણા ‘નારાજ’