સાવ અટુલા પડી ગયા

તારી અસરમાં સાવ અટુલા પડી ગયા
ભરચક નગરમાં સાવ અટુલા પડી ગયા

છે કાફલો ને જાણે નથી કાફલામાં કોઇ
આખી સફરમાં સાવ અટુલા પડી ગયા

ન્હોતા અટુલા કિન્તુ અટુલા થશું તો શું ?
શું એ જ ડરમાં સાવ અટુલા પડી ગયા

આત્મીયતા દીવાલ પરથી ખરી પડી
મસમોટા ઘરમાં સાવ અટુલા પડી ગયા

કાયમી કસૂંબી ડાયરે જેના દિવસો વીત્યા
આજે કબરમાં સાવ અટૂલા પડી ગયા

Advertisements

આપણને નહીં ફાવે

તમે મન મૂકી વરસો, ઝાપટું આપણને નહીં ફાવે,
અમે હેલીના માણસ, માવઠું આપણને નહીં ફાવે.

કહો તો માછલીની આંખમાં ડૂબકી દઇ આવું,
પણ આ છીછરું ખાબોચિયું આપણને નહીં ફાવે.

તું નહીં આવે તો એ ના આવવું પણ ફાવશે અમને,
ઘરે આવી, તારું પાછું જવું, આપણને નહીં ફાવે.

તને ચાહું, ને તારા ચાહનારાઓને પણ ચાહું ?
તું દિલ આપી દે પાછું, આ બધું આપણને નહીં ફાવે

તમાચો ખાઈ લઉ ગાંધીગીરીના નામ પર હું પણ,
પણ આ પત્નીને બા સંબોધવું, આપણને નહીં ફાવે.

– 

બાકી જિંદગીથી કોઈ ફરિયાદ નથી

બાકી જિંદગીથી કોઈ ફરિયાદ નથી,
બસ છેલ્લે ક્યારે મજા આવી એ યાદ નથી,

વ્યસ્તતા એ માજા મૂકી છે બરાબર,
છેલ્લે ક્યારે રજા આવી એ યાદ નથી,

આંખના ખૂણા મેં સાફ કર્યા હતા કે ,
ખરી ગયું એ પાણી, એ યાદ નથી,

યાદ છે આપવાના કોને કેટલા મારે,
કેટલી છે ઉઘરાણી,એ યાદ નથી,

આમ તો સતત હાસ્ય રાખું છું ચહેરા પર,
સાચ્ચે હસ્યો તો ક્યારે એ યાદ નથી,

જે વરસાદમાં હું ભીંજાયો હતો દિલથી,
એ વરસ્યો તો ક્યારે એ યાદ નથી,

જીવતા જીવતા ઈચ્છાઓને બધાની,
ક્યારે હું મને જ ભુલ્યો એ યાદ નથી,

ઉભો નથી કતારમાં તારા મંદિરે ઈશ્વર,
પણ તને હું ભુલ્યો એવી ક્ષણ યાદ નથી,

સન્નાટા ઘરમાં આમ કદી સંભળાય ના

સન્નાટા ઘરમાં આમ કદી સંભળાય ના,
પગલાના આ ધ્વનિ છે તમારી વિદાયના.

ના, એવું દર્દ હોય મહોબત સિવાય ના,
સોચો તો લાખ સૂઝે – કરો તો ઉપાય ના.

જીવનનો કોઇ તાલ હજુ બેસતો નથી,
હમણાંથી કોઇ ગીત મહોબતમા ગાય ના.

આગામી કોઇ પેઢીને દેતા હશે જીવન,
બાકી અમારા શ્વાસ નકામા તો જાય ના.

સારા કે નરસા કોઇને દેજે ન ઓ ખુદા,
એવા અનુભવો કે જે ભૂલી શકાય ના.

એ ઊર્મિઓ તમે બધી આવો ન સામટી,
આ છે ગઝલ, કંઇ એમાં ઝડપથી લખાય ના.

આરામમાં છું કોઇ નવા દુ:ખ નથી મને,
હા દર્દ છે થોડા વીતેલી સહાય ના.

જ્યાં પણ હ્રદયના ઊભરા, ઊભરે કરો કબુલ,
તોફાન થાય ક્યાં જો એ દરિયામાં થાય ના.

હા છે વિવિધ ક્ષેત્રમાં એવા છે પ્રેમીઓ,
એવી વફા કરે છે કે માની શકાય ના.

સગવડ છે એટલી કે ગમે ત્યાં હસી શકો,
અગવડ છે એટલી કે ગમે ત્યાં રડાય ના.

જોવા મને હું લોકની આંખોને જોઉં છું,
લોકોની આંખમાં જ હતા સ્પષ્ટ આયના.

મૃત્યુની પહેલા થોડી જરા બેવફાઇ કર,
જેથી ‘મરીઝ’ એમને પસ્તાવો થાય ના.

– 

ફક્ત એક જ ટકો કાફી છે, પૂરતો છે મહોબતમાં

ફક્ત એક જ ટકો કાફી છે, પૂરતો છે મહોબતમાં,
ને નવ્વાણું ટકા બાકીના ખર્ચી નાખ હિંમતમાં.

મુકામ એવો પણ આવે છે કોઇ વેળા મહોબતમાં,
ફરક જ્યારે નથી રહેતો અવજ્ઞામાં કે સ્વાગતમાં.

નહીં એ કામ લાગે હો હજાર ઊભરા મહોબતમાં,
અણીના ટાંકણે હંમેશા ઓટ આવે છે હિંમતમાં.

અહીં બીજે કશે પણ ધ્યાન દેવાની મનાઇ છે,
સળંગ રસ્તો અગર જોયો તો એ જોયો અદાવતમાં.

અહીં બે ત્રણની વચ્ચે પણ ખબર કોઇ નથી લેતું,
હજારો હાજરીમાં શું દશા થાશે કયામતમાં.

જરા થોડું વિચારે કે તરત એમા ઉણપ નીકળે,
અહીં સંતોષ કોને હોય છે પોતાની હાલતમાં.

જગતમાં સૌ શરાબીની આ એક જ કમનસીબી છે,
શરૂમાં શોખ હો, આગળ જતા પલટાય આદતમાં.

કરે છે એવી દ્રષ્ટિ ને કરે છે એવી અવગણના,
હો જાણે એમણે વરસો વિતાવ્યા તારી સોબતમાં.

પછી એના પ્રવાહે આખું સાધારણ જીવન વીતે,
મહત્વના બનાવો હોય છે – બે ચાર કિસ્મતમાં.

પછી એકાંતનો ચસ્કો ન લાગે તો મને કહેજો,
જરા થોડો સમય વીતાવો અમ જેવાની સોબતમાં.

‘મરીઝ’આ એક અનોખી વાત સાચા પ્રેમમાં જોઇ,
કરો જુઠ્ઠી શિકાયત તો મજા આવે શિકાયતમાં.

– 

શું કરું?

શુષ્ક છું, બટકું નહી તો શું કરું!
અધવચે અટકું નહીં તો શું કરું!

રાફડા કોળ્યા છે રજના પાંપણે,
પાંપણો ઝટકું નહી તો શું કરું!

ક્યાં સુઘી હોઠોમાં ભીંસાતો રહું?
શબ્દ છું છટકું નહી તો શું કરું!

કૈંક ખૂટે છે ‘-નો ખટકો છું સ્વયં,’
હું મને ખટકું નહી તો શું કરું?

બેસવા દે છે ન બેચેની કશે,
આમ હું ભટકું નહી તો શું કરું!

જીવ અદ્ધર, શ્વાસ પણ અદ્ધર હવે,
લાશ છું, લટકું નહી તો શું કરું!

ઊંચક્યું જાતું નથી “ઘાયલ” જરી,
શીશ જો પટકું નહી તો શું કરું!

અમૃત “ઘાયલ”

એમ પણ નથી

દરવાજો ઊઘડ્યો જ નથી, એમ પણ નથી,
ને ઊઘડી ખડ્યો જ નથી,  એમ પણ નથી.

પગ મારો ઊપડ્યો જ નથી, એમ પણ નથી,
ને ખુદ મને નડ્યો જ નથી, એમ પણ નથી.

સાચું પૂછો તો જોયાં છે મેં એને દૂરથી,
પણ એમને અડ્યો જ નથી, એમ પણ નથી.

સામે મળ્યો તો મેં જ મને ઓળખ્યો નહીં,
ખોવાઈ હું જડ્યો જ નથી, એમ પણ નથી.

ઐયાશીમાંય ભાંગી પડ્યો છું ઘણી વખત,
પીધા પછી રડ્યો જ નથી, એમ પણ નથી.

જોયો છે મેં અનેક વાર ઘૂળ ચાટતાં,
પાછો પવન પડ્યો જ નથી, એમ પણ નથી.

“ઘાયલ” જે સાચવે છે મને આમ કેફમાં,
કેફ એમને ચડ્યો જ નથી, એમ પણ નથી.

અમૃત “ઘાયલ”