એય છૂટી જાય ના એ બીકમાં જીવ્યા હતા

એય છૂટી જાય ના એ બીકમાં જીવ્યા હતા,
એક મુઠ્ઠી જેટલી ઉમ્મિદમાં જીવ્યા હતા.

હા, અમે પણ પાંખથી છૂટેલ પીંછાઓ હતાં,
હા અમે પણ સાવ ઉજ્જડ નિડમાં જીવ્યા હતા.

આગમાં સેકાઈ ગ્યા તો ઈંટનો અવતાર લઈ,
આયખાભર એક મુંગી ભીંતમાં જીવ્યા હતા.

કાળથીયે આકરી તાકીદમાં જીવ્યા હતા,
ક્યાં અમે પણ કોઈ ચોક્ક્સ રીતમાં જીવ્યા હતા.

લાખ ટહુકામાં ભળ્યા કે લાખ ચાંચેથી ખર્યા,
એ છતાં અફસોસ છે કે ઠીબમાં જીવ્યા હતા.

ચંદ્રેશ મકવાણા ‘નારાજ’

Advertisements

ખાલીપાથી ખખડેલો છુ

ખાલીપાથી ખખડેલો છુ.
હું બંધ મકાનનો ડેલો છુ.

ખુદને શોધવાની પાછળ હું,
બહુ જગ્યાએ ભટકેલો છુ.

કોણ હવે સાચવશે મુજને,
હું દોસ્તીનો હડસેલો છુ.

ખબર નહી ક્યારે ફૂટી જઈશ,
ફુગ્ગાની જેમ ફૂલેલો છુ.

થોડો ઢાળ મળે ,વહી જઈશ,
વહેતા પાણીનો રેલો છુ.

કોઈ પૂછે મારે વિષે,
તો કહેજો કે બહુ ઘેલો છુ.

છુ હમસફર ઘણાનો ,કેમકે,
બેગ છુ,બિસ્તર છુ, થેલો છુ.

સાંભળવાનો મોકો જો મળે,
તો સાંભળજો ,ભલે છેલ્લો છુ.

સાવ અનોખી વાત લઈને,
હું ય લાઈનમાં ઉભેલો છુ.

સુધીર દત્તા

છૂટાં પડશું તો વિચારીશ, તમે શું કરશો.

છૂટાં પડશું તો વિચારીશ, તમે શું કરશો.
હું તો યાદોને નકારીશ, તમે શું કરશો?

વાંક બંનેનો છે, એ વાત બરાબર છે તો,
હું મારી ભૂલ સુધારીશ, તમે શું કરશો?

મનમાં ઈચ્છા થશે મળવાની છતાં નહિ આવું,
હું તો ઈચ્છાઓને મારીશ, તમે શું કરશો?

તમને એકલતા બહુ સાલસે, ચટકા ભરશે,
હું તો ગઝલોને મઠારીશ, તમે શું કરશો?

ચેનથી ઊંઘવા દેશે ન પરસ્પર યાદો,
રાત આંખોમાં ગુજારીશ, તમે શું કરશો?

હું તો ખુદને ન મળું એટલે ભીંતો પરથી,
આયના નીચે ઉતારીશ, તમે શું કરશો?

આંખ ખુલશે તો ‘ખલીલ’ આંખને ચોળી ચોળી,
રાતના સ્વપ્નાં નીતારીશ, તમે શું કરશો?

ખલીલ ધનતેજવી

એવી કરી છે પ્રીત તને નહીં સમજ પડે

એવી કરી છે પ્રીત તને નહીં સમજ પડે
છે હારમાંય જીત તને નહીં સમજ પડે.

અંદાજ મારો એટલે ખોટો પડ્યો નહીં,
હું શું ગણું ગણિત તને નહીં સમજ પડે.

ખુશ્બુ હ્રદયમાં પ્રીતની રાખ્યા વિના હવે,
મારી ગઝલ કે’ગીત,તને નહીં સમજ પડે.

બોલ્યા વિના ય બોલે ચ્હેરો કદી કદી,
ચ્હેરાની વાતચીત તને નહીં સમજ પડે.

તારા વિનય વિવેકમાં કંઈ પણ ઉણપ નથી
સત્કારવાની રીત તને નહીં સમજ પડે.

ઠંડક મળે-સુગંધ મળે-તાજગી મળે,
કોને કહે છે સ્મિત તને નહીં સમજ પડે.

એથી કહું છું હં બધે સતયુગની વાતને,
એમાં છે’યુગ’નું હીત,તને નહીં સમજ પડે.

યુગ પાલનપુરી

સમય જાતાં બધું સહેવા હૃદય ટેવાઇ જાયે છે

સમય જાતાં બધું સહેવા હૃદય ટેવાઇ જાયે છે
ગમે તેવું દુઃખી હો, પણ જીવન જીવાઇ જાયે છે.

હૃદયના દર્દની વાતો કદી છાની નથી રહેતી
હૃદય ગભરાય છે ત્યારે નયન ભીંજાઇ જાયે છે.

સમય બદલે તો બદલે, પણ પ્રણય રંગો નહીં બદલે
હૃદય રંગાઇ જાયે છે તો બસ રંગાઇ જાયે છે.

મુસીબતના દહાડા એ કસોટીના દહાડા છે.
છે પાણી કેટલું કોના મહીં જોવાઇ જાયે છે.

જીવન સારું જીગરની આહ થી ફૂંકી દઉં “ઘાયલ”
કદીક મારા ઉપર મને ય એવી ખાઇ જાયે છે.

અમૃત “ઘાયલ”

આઝાદ થઈ જવું કે આપવાદ થઈ જવું

આઝાદ થઈ જવું કે આપવાદ થઈ જવું;
તારા છે હાથમાં કે એકાદ થઈ જવું !

ચર્ચા કરીને થાક્યા સમજ્યું ના કોઈ પણ–
એકાન્તને જ ઓઢી તાદાદ થઈ જવું.

કાયાની ગાંસડીમાં શું શું ભર્યું હશે;
સઘળું ભૂલીને પ્યારે; આબાદ થઈ જવું.

ઝઘડા- ફસાદના સૌ મુદ્દા ફગાવીએ;
ભીતરથી કોઈ બોલે સંવાદ થઈ જવું!

આગળ ઉપર સરોવર મીઠું મળી જશે;
પ્યાસા હરણની નાભિ કે નાદ થઈ જવું!

ગુણવંત ઉપાધ્યાય

આ મોહબ્બત છે, કે છે એની દયા, કહેતા નથી

આ મોહબ્બત છે, કે છે એની દયા, કહેતા નથી,
એક મુદ્દત થઇ કે, તેઓ હા કે ના કહેતા નથી…

લ્યો નવાઇ આપની શંકા સુધી પહોંચી ગઇ,
બસ હવે આગળ અમે દિલની કથા કહેતા નથી…

એને તું સંયમ કહે, તારી કૃપા કિંતુ અમે,
મનમાં નબળાઇ છે તેથી દુર્દશા કહેતા નથી…

એ જ લોકો થઇ શકે છે મહેફિલોની આબરૂ,
જેઓ વેરાનીને પણ સૂની જગા કહેતા નથી…

બે જણા દિલથી મળે તો એક મજલીસ છે ,
દિલ વિના લાખો મળે, એને સભા કહેતા નથી…

–