તું પ્રેમ તારો ત્યાંથી જરાપણ હટાવમા

તું પ્રેમ તારો ત્યાંથી જરાપણ હટાવમા !
એ બેવફાની વાતો વફામાં તું લાવમા !

ઇન્સાન વચ્ચે યા રબ ! કયામતમાં આવમા !
રાખ્યો છે ઠેઠ સુધી એ પડદો હટાવમા !

લાયક જગા ઉપર જઈને રડવાનું રાખજે,
આ દિલના દર્દને તું ગમે ત્યાં વહાવમા !

ખંજન ની ખીણ , લટની આ ભૂલભૂલામણી ;
સામાન મોતનો છે , કહ્યું’તુંને ત્યાં જાવમાં !

એનાથી પણ છે બદતર , જગતના અનુભવો ;
દોઝખની બીક જાહિદ ! મને તું બતાવમા !

એક એક ઘૂંટ પીને મજા લે ! વિસામો લે !
પંડિત ! તું શ્લોક માફક સુરા ગટગટાવમા !

હું તારી ના ને ‘ હા ‘ માં પલ્ટાવીને રહીશ ;
મુસાની જીદ હજુ પણ છે મારા સ્વભાવમાં .

‘કાયમ’ મરણ પછી ની નવાજિશ નું શું કરું ?
વેચાયું છે જીવન જ્યાં મફતના જ ભાવમાં .

‘કાયમ’ હઝારી

Leave a comment

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.