આજે અહીં જુઓ છો જે પથ્થર નવા નવા

આજે અહીં જુઓ છો જે પથ્થર નવા નવા,
કાલે બની જવાના એ ઈશ્વર નવા નવા.

તારા વિશેનો પ્રશ્ન અનાદિથી એક છે,
કિંતુ મળે છે હર યુગે ઉત્તર નવા નવા.

તો પણ ન જાણે કેમ સતત ખાલી હાથ છે ?
અલ્લાહ રોજ દે છે મુકદ્દર નવાં નવાં.

તારા મિલનની શક્યતા જીવંત રાખવા,
પેદા કરું છું રોજ હું અવસર નવા નવા.

મૃત્યુને અંત જીવનનો નહીં ગણું,
બદલે છે એ તો જીવ કલેવર નવાં નવાં.

– 

Advertisements

થોડું જીવાય ક્યાંથી ?

થોડું જીવાય ક્યાંથી ?
થોડું મરાય ક્યાંથી ?

બે આંખમાંથી એની
ચીસો કળાય ક્યાંથી ? .

સપનું જુવે પથારી
એમાં સુવાય ક્યાંથી ?

છે સ્કૂલ ત્યાંની ત્યાં પણ
પાછું ભણાય ક્યાંથી ?

ખાલી મકાન પાછું
ખાલી કરાય ક્યાંથી ?

– 

એના એ જ છે

લોક જુદા, ભાર એના એ જ છે,
શ્વાસ જુદા, સાર એના એ જ છે.

રંગજીવનના ભલે જુદા હતા,
મૃત્યુના આકાર એના એ જ છે.

સ્વપ્ન જુએ તું ભલે આકાશનાં,
આંખના વિસ્તાર એના એ જ છે.

ફેરવી લીધું ભલે મોં એમણે,
આપણા વે’વાર એના એ જ છે.

આપણા ઝખ્મો ભલે જુદા હતા,
દિલ ઉપરના વાર એના એ જ છે.

દર્શક આચાર્ય