ઘણાં લોકોને દુનિયામાં બહુ તકલીફ પહોંચી છે

ઘણાં લોકોને દુનિયામાં બહુ તકલીફ પહોંચી છે,
મને તો મારા હોવામાં બહુ તકલીફ પહોંચી છે.

સરળ છે આમ તો કિંતુ કોઈ ક્યાં ચાલવા દે છે ?
મને તો મારા રસ્તામાં બહુ તકલીફ પહોંચી છે.

બુરા મારે નથી બનવું પરંતુ એટલું કહી દઉં,
જગતમાં સારા બનવામાં બહુ તકલીફ પહોંચી છે.

હું જાણી લઉં જરા ઓ નાસ્તિક તારી યે તકલીફો,
મને પણ મારી શ્રદ્ધામાં બહુ તકલીફ પહોંચી છે.

જીવનમાં અન્ય સંઘર્ષોની મેં પરવા નથી કીધી,
હૃદય સાથે ઝઘડવામાં બહુ તકલીફ પહોંચી છે.

તમે દીધું મને રાહતનું ખોટું એક સરનામું,
ને એની શોધ કરવામાં બહુ તકલીફ પહોંચી છે.

હતું થોડા સમયનું પણ અસર એની હતી ઘેરી,
મને ઓ સપનામાં બહુ તકલીફ પહોંચી છે.

– 

આંખમાં આદર લઈને ઉંબરે બેઠા છીએ

આંખમાં આદર લઈને ઉંબરે બેઠા છીએ
નેહનો સાગર લઈને ઉંબરે બેઠા છીએ

આમ તો વાતો અમરતાની કરો છો, ઠીક છે
જિંદગી નશ્વર લઈને ઉંબરે બેઠા છીએ

સેંકડો પ્રશ્નો ભલેને અમને પૂછાતા રહે
ફક્ત એક ઉત્તર લઈને ઉંબરે બેઠા છીએ

સાંજટાણું છે કોઈ આવે તો મહેણું ટળે
ભાગ્યની ઠોકર લઈને ઉંબરે બેઠા છીએ

કોઈ મરમી આંખમાં છે એટલી આરત રહી
ફક્ત અઢી અક્ષર લઈને ઉંબરે બેઠા છીએ

આ ફકીરી જિંદગી પણ જોવા જેવી ચીજ છે
આખું ઘર લઈને ઉંબરે બેઠા છીએ

– 

શું સાંજ, શું સવાર અમે ચાલતા રહ્યા

શું સાંજ, શું સવાર અમે ચાલતા રહ્યા,
કીધા વિના પ્રચાર અમે ચાલતા રહ્યા.

નિષ્ક્રિય થઈને જીવવું બદતર છે મોતથી,
રાખીને એ ખુમાર, અમે ચાલતા રહ્યા.

અવરોધ એવા કંઈક હતા જો કે રાહમાં,
ત્યાગીને સૌ વિચાર અમે ચાલતા રહ્યા.

એક આદમીને એથી વધારે શું જોઈએ ?
આપીને સૌને પ્યાર અમે ચાલતા રહ્યા.

બસ લક્ષ્ય પામવાની હતી અમને ખેવના,
સુખનો ગણી પ્રકાર અમે ચાલતા રહ્યા.

સહકારની અપેક્ષા અમારી ફળી નહીં,
ઉચકી બધાનો ભાર અમે ચાલતા રહ્યા.

– 

આજે અહીં જુઓ છો જે પથ્થર નવા નવા

આજે અહીં જુઓ છો જે પથ્થર નવા નવા,
કાલે બની જવાના એ ઈશ્વર નવા નવા.

તારા વિશેનો પ્રશ્ન અનાદિથી એક છે,
કિંતુ મળે છે હર યુગે ઉત્તર નવા નવા.

તો પણ ન જાણે કેમ સતત ખાલી હાથ છે ?
અલ્લાહ રોજ દે છે મુકદ્દર નવાં નવાં.

તારા મિલનની શક્યતા જીવંત રાખવા,
પેદા કરું છું રોજ હું અવસર નવા નવા.

મૃત્યુને  અંત જીવનનો નહીં ગણું,
બદલે છે એ તો જીવ કલેવર નવાં નવાં.

–