આંખોમાં આવણાંના અવસાદ ક્યાંથી લાવું ?

આંખોમાં આવણાંના અવસાદ ક્યાંથી લાવું ?
દિલથી જ ગઈ નથી તો તુજ યાદ ક્યાંથી લાવું?

ટિટોડીએ તો ઈંડા મૂક્યાં છે આડા આ સાલ,
ઈચ્છાઓ સૌ ફળે એ વરસાદ ક્યાંથી લાવું ?

તારા નગરમાં શેનો ઢંઢેરો હું પીટાવું ?
પોલું છે ઢોલ, એમાં ઉન્માદ ક્યાંથી લાવું ?

વર્તુળ પેઠે તારી ચોમેર વીંટળાયો,
આરંભ ક્યાંથી લાવું ? અવસાદ ક્યાંથી લાવું ?

ખોદીને પહાડ દૂધની લાવું નદી હું ક્યાંથી ?
જીવંત છું, કથા સમ ફરહાદ ક્યાંથી લાવું ?

ઈચ્છાના પગ લઈને ચાલ્યા કરો જીવનભર,
કાંટા વગરનો રસ્તો આબાદ ક્યાંથી લાવું ?

શબ્દોને છે ચટાકા તમતમતાં ભોજનોનાં,
કાવ્યોમાં મીઠાં સુખનાં તો સ્વાદ ક્યાંથી લાવું?

– 

અવસાદ = અંત

Advertisements

હું શમણાંઓને ગાળું છું એ ઘટનાઓને લૂંછે છે

હું શમણાંઓને ગાળું છું એ ઘટનાઓને લૂંછે છે,
હું શબ્દ બનીને સળગું છું એ મૌન લખીને ઘૂંટે છે.

નિસ્તેજ થયેલી આંખોને સૂરજની વાતો યાદ નથી,
અફસોસ બીચારું અંધારું અહેસાસ ઉદયનો પૂછે છે.

તું આવ અષાઢી સાંજે કે વરસાદ બનીને મળવું છે,
તું આવ કે મારા આકાશે આખું ચોમાસું ઉડે છે.

હું સ્વપ્ન ભલા ક્યાંથી વાવું ? જઈ પૂછ વિરહની રાતો ને,
અહીં રોજ નિરાશા ફણગે છે અહીં રોજ નિસાસા ઊગે છે.

વસવસા આ જિંદગીના સ્હેજ થોડા હોય છે?

વસવસા આ જિંદગીના સ્હેજ થોડા હોય છે ?
વેદનાના દોસ્ત, દસ્તાવેજ થોડા હોય છે ?

લાગણી માઝા મૂકે ત્યારે જ નીકળે આંસુઓ,
આંખના ખૂણે હમેશા ભેજ થોડા હોય છે ?

પ્રેમ તો પહેલી નજરમાં પાંગરેલી વારતા,
પ્રેમની પ્રસ્તાવનાના પેજ થોડા હોય છે ?

પ્રેમમાં ખોટા પડે છે દોસ્ત, બધ્ધાયે ગણિત
એક વત્તા એક કાયમ બે જ થોડા હોય છે ?

હર્ષથી કોઈ લગાવે ગાલ પર ચપટી ગુલાલ,
રંગ કરનારા બધા રંગરેજ થોડા હોય છે ?

સોરી કહેવાથીય માફી ના મળે એવું બને,
માફ કરનારા બધા અંગ્રેજ થોડા હોય છે ?

પ્રેમમાં ‘ચાતક’ બીડેલા હોઠ કહી દે છે ઘણું,
હર ખુલાસા સનસનાટીખેજ થોડા હોય છે ?

– 

ફાંસી દઈ દઉં

બાળપણાની ઘટનાઓને ફાંસી દઈ દઉં,
મારી સઘળી ઇચ્છાઓને ફાંસી દઈ દઉં.

ચાલું છું પણ મંઝિલ ક્યાં આવે છે કોઈ?
થાય છે મનમાં રસ્તાઓને ફાંસી દઈ દઉં!

પંખે લટકી લટકી મરનારાને જોઈ;
મન ઇચ્છે છે પંખાઓને ફાંસી દઈ દઉં.

મોજાંઓ પણ કાંઠે આવી દમ તોડે છે,
દરિયાને થ્યું કાંઠાઓને ફાંસી દઈ દઉં.

ઠોકર ખવડાવી તારી એ યાદ આપે છે,
શાને એવા પાણાઓને ફાંસી દઈ દઉં?

ખોટા ખોટા વચનો આપ્યા તો ઇચ્છા થઈ;
તારી જુઠ્ઠી વાચાઓને ફાંસી દઈ દઉં.

કોલાહલમાં પગરવ સાંભળવાની કોશિશ;
એકલતામાં પડઘાઓને ફાંસી દઈ દઉં.

આમ જુઓ તો ભરચક છે ને આમ જુઓ તો ખાલી છે

આમ જુઓ તો ભરચક છે ને આમ જુઓ તો ખાલી છે,
પણ મારુ જીવન જાણે આકંઠ ભરેલી પ્યાલી છે.

જીવવા માટે મેં ક્યાં કોઈનું અવલંબન માંગ્યું છે,
એથી કહું કે આપણ ભઇલા હાથ વગરની તાલી છે.

ગામ કહે છે તારે ઘરથી કોઈ ના પાછું જાતું રે.. !
ચૂપ રહે તું મારી વાતે કેવો મૂંગો હાલી છે !!

હાથ હવે તું ભૂલ-ભૂલમાં પણ ના છોડીશ ઉપરવાળા,
મેં પણ તારા પ્રેમની દોરી કચકચાવી ઝાલી છે.

‘આનંદ’ મળતો જ્યારે જ્યાં પણ સહુની સાથે માણ્યો છે ,
ગમતી ક્ષણની મોજ મજા ક્યાં ખુદના ગજવે ઘાલી છે ?!

જમાનાએ હવે દિલ તોડવાની રીત બદલી છે

જમાનાએ હવે દિલ તોડવાની રીત બદલી છે,
તમે ખંજર ભલે બદલ્યાં અમે ક્યાં પીઠ બદલી છે?

બિકારા આયનાને દોષ દેવાનું હવે છોડો,
તમારાથી કરી નફરત કદી ક્યાં ભીંત બદલી છે?

ઘણાની પ્રાર્થનામાં દંભનાં દર્શન થયા તેથી,
પ્રભુએ માનવીને માપવાની મીટ બદલી છે.

ગઝલ સારી હશે તો પણ નથી એ દાદ દેવાના,
હજી ક્યાં શાયરોએ એમની તાસીર બદલી છે?

હવે છેલ્લી ઘડી છે એમ સમજી શ્વાસ ના ગણતા,
વિધાતાએ ‘સુમન’ના મોતની તારીખ બદલી છે.

–  

કૈંક ખીંટીઓ ભલે તૈયાર છે

કૈંક ખીંટીઓ ભલે તૈયાર છે,
ભીંત પર લટકી જવાની વાર છે.

ચાર દિવસ પ્રેમના પૂરા થયા,
ચાર એની યાદના ઉધાર છે.

શ્વાસ મેળવવા પડે છે પ્રેમમાં,
કુંડળીઓ મેળવો, બેકાર છે.

હર્ષમાં કે શોકમાં સરખા રહે,
આંસુઓ બહુ ફાંકડા ફનકાર છે.

માત્ર શંકાથી જ એ તૂટી ગયા,
કેટલાં નાજુક પ્રણયનાં તાર છે.

મન વિશે થોડું વિચાર્યું, તો થયું,
આ વિચારો કે ફરારી કાર છે ?

મોત, ‘ચાતક’ આવશે પૂછ્યા વગર,
દોસ્તનો એ આગવો અધિકાર છે.