સદાઓ નડી છે અદાઓ નડી છે

સદાઓ નડી છે અદાઓ નડી છે.
લટોની એ કાળી ઘટાઓ નડી છે.

ઘડી બે ઘડીની મજાઓ નડી છે.
તમારા નગરની હવાઓ નડી છે.

તમોને નડી છે ખતાઓ તમારી,
અમોને અમારી જફાઓ નડી છે.

જો કારણ જણાવું અમારી દશાનું
દુવાઓ નડી છે દવાઓ નડી છે.

ફળી છે તને બેવફાઈ હંમેશા ,
અહીં ‘ઇશ્ક’ ને તો વફાઓ નડી છે

‘ઇશ્ક’ પાલનપુરી

Advertisements

કોઈ માણસ ખંડેરોની માફક જ્યારે વર્તે છે

બચપનમાં જે સૂવા માટે ખોટેખોટું રડતો’તો

કોઈ માણસ ખંડેરોની માફક જ્યારે વર્તે છે,
ત્યારે સમજી લેવાનું કે એ અંદરથી તૂટે છે.

કાંટો વાગે ને કાંટા પર ગુસ્સો આવે તે વખતે-
કાંટાને પૂછી જોજો કે એના પર શી વીતે છે.

બચપનમાં જે સૂવા માટે ખોટેખોટું રડતો’તો,
મોટો થઈ એ રડવા માટે ખોટેખોટું ઊંઘે છે.

કાલે તું ને તારી વાતો બંને એને ગમતાં’તા
આજે તું ને તારી વાતો શાથી એને ખૂંચે છે,?

શિક્ષક થઈને, ફરતાં ફરતાં માળાએ સમજાવ્યું કે-
બીજો મણકો ત્યારે આવે જ્યારે પહેલો છૂટે છે.

જરા ય ધ્યાન રહેતું ન અન્ય બાબતમાં

જરા ય ધ્યાન રહેતું ન અન્ય બાબતમાં,
સમય પસાર થઈ જાય છે મહોબતમાં.

સંબંધ ફેરવાઈ જાય છે પછી લતમાં,
પ્રથમ તો આવવાનું હોય માત્ર સોબતમાં.

પીધા પછી તો બધું પાણી થઈ જવાનું છે,
છતાં ય કેફ છે શરાબમાં ને શરબતમાં.

તમે ય પ્રેમમાં એવી કરી પરીક્ષા કે,
હું ઊભો હોઉં છું જાણે કોઈ અદાલતમાં.

અસંખ્ય આપણી ઈચ્છાઓ હોય છે કિન્તુ,
ફળે તો ફેર પડી જાય કૈં જરુરતમાં.

સમય પસાર થઈ જાય અન્ય બાબતમાં,
જરા ય ધ્યાન રહેતું નથી મહોબતમાં.

હું નથી જાણતો

અતિશય છે જરૂરી જે એ પહેલાં શીખવી દે છે

અતિશય છે જરૂરી જે એ પહેલાં શીખવી દે છે;
જનમતાવેંત આંખો સહુને રડતાં શીખવી દે છે.

જરૂરત છે બધા લોકોની વચ્ચે સ્હેજ ભળવાની;
પછી ના આવડે જે એ આ દુનિયા શીખવી દે છે.

ઊભો રહે છે સતત મસ્તક ઝુકાવી; હાથ જોડીને;
ન પૂછો કેવું-કેવું આ અભરખા શીખવી દે છે.

બધા ભાષાના ભપકા અહીં જરા પણ કામ નહિ લાગે;
ગઝલ છે નામ એનું, જે સરળતા શીખવી દે છે.

થવાનું કઈ રીતે ઊભા એ ‘નીરવ’ કોણ જાણે છે ?
ઘણા છે જે સુરક્ષિત રીતે પડતાં શીખવી દે છે.

નીરવ વ્યાસ

એક ટીપું આંખથી સરકી ગયું તો શું થયું ?

એક ટીપું આંખથી સરકી ગયું તો શું થયું ?
એક જણ પાછું ફરી જીવી ગયું તો શું થયું ?

જાગતા હોવા છતાં મેં ડોળ ઊંઘ્યાનો કર્યો
એક સપનું ભૂલથી આવી ગયું તો શું થયું ?

લાગણી મારી ટકોરા બારણે પાછી વળી,
ખોલવામાં સહેજ મોડું થઈ ગયું તો શું થયું ?

જિંદગી આખી વીત્યું મારા ઉપર જે એ બધું,
એક પળ તારી ઉપર વીતી ગયું તો શું થયું ?

કેટલી ઈચ્છાની ઉંમર ખૂબ મોટી થઈ હતી,
એક-બે ઈચ્છાનું સગપણ થઈ ગયું તો શું થયું ?

ગુંજન ગાંધી

એમ માનતા નૈ કે હું ડરીને બેઠો છું

એમ માનતા નૈ કે હું ડરીને બેઠો છું.
સ્થિતિ આવે કોઈ પણ, હું સજીને બેઠો છું.

રોજ ઉઠીને તું જેની કામના કરે છે ને!
એ બધું તો વરસોથી,હું ત્યજીને બેઠો છું.

ઓ જમાના રહેવાં દે ! પાણી માપ નૈ મારું
ઘાટ-ઘાટનાં પાણી, હું તો પી ને બેઠો છું.

મારાં મૌનનો મતલબ એટલો જ છે મિત્રો
હું હવે ફક્ત ભીતર વિસ્તરીને બેઠો છું.

હું ફરીથી ઉગવાનો, તેજ પહેલાં જેવું લઇ
ક્ષિતિજે ભલે આજે, હું નમીને બેઠો છું.

રમેશ રતિલાલ ‘ખામોશ’

રોજ મારાથી મને વાંધો પડે

રોજ મારાથી મને વાંધો પડે,
તો ય મારે તો મને જોવો પડે.

આ ઝરણ એમ જ નદી બનતા નથી,
દોસ્ત પાણીનેય પરસેવો પડે.

કૈંક તો સારું બધામાં હોય છે,
લીમડાનો છાંયો ના કડવો પડે.

તું દિવસ જીતી ગયાંનો વ્હેમ છોડ,
સાંજે પડછાયો ઘણો મોટો પડે.

તું અડે ને એમ લાગે છે મને,
જાણે સૂકા ઘાસ પર તણખો પડે.

તું હવે સરનામું પાક્કુ આપ બસ,
રોજ મંદિરનો મને ધક્કો પડે.

– ગૌરાંગ ઠાકર