‘ખુદા મદદ કરે છે’ એવું ક્યાંક વાંચીને

‘ખુદા મદદ કરે છે’ એવું ક્યાંક વાંચીને;
નિરાંતે બેસી ગયો છું પલાઠી વાળીને.

થઈ છે ભૂલ એ સ્વીકારીને ય શું મળશે;
જીવન ગઝલ નથી કે વાંચુ હું સુધારીને.

પ્રયત્નો ઊંઘવાના થાય છે વિફળ તો પણ;
પથારી પાથરી ઈશ્વરનું નામ જાપીને.

વિફળ દુઆએ ન રાખ્યો વિકલ્પ બીજો કંઇ;
મેં નાવ છેવટે સોંપી દીધી ખલાસીને.

ભરમ તૂટી ગયો દિલમાં છે મારા પણ ઈશ્વર;
મળ્યું મને શું અરીસાને સામે લાવીને.

દિવસ બદલવાની ઉમ્મીદમાં એ પૂછું છું;
કહો, ક્યાં ફોડું હવે નારિયળ પછાડીને.

સળગતો રાખ્યો ઘરનો દીવો પણ;
હવે પીડે છે મારા હાથ દાઝી દાઝીને.

– 

Advertisements

એમાં તમે છો હું છું અને થોડા મિત્ર છે

એમાં તમે છો હું છું અને થોડા મિત્ર છે

એમાં તમે છો હું છું અને થોડા મિત્ર છે,
એથી જીવન કથાના પ્રસંગો સચિત્ર છે.

દિલની સમક્ષ મારે નથી તારી કંઇ જરૂર,
દર્પણ નથી હવે એ હવે તારું ચિત્ર છે.

એ સારા માનવીનું મુકદ્દર ઘડ્યું ખરાબ,
કોને કહું કે મારી વિધાતા વિચિત્ર છે ?

જો એમાં જીવ હોત તો એ પણ સરી જતે,
સારું છે – મારા હાથમાં નિર્જીવ ચિત્ર છે.

સૌ નીંદકોને લાવી દીધા છે પ્રકાશમાં,
આપ જ કહો કે કેટલું ઊજળું ચરિત્ર છે

‘બેફામ’ જાઉં છું હું નહાઇને ર્સ્વગમાં,
જીવન ભલે ને હોય મરણ તો પવિત્ર છે.

– બરકત વીરાણી ‘બેફામ’

આખી રાત તારા ગણવાની વાત છે

આખી રાત તારા ગણવાની વાત છે ;
ઈંટો વગર દીવાલ ચણવાની વાત છે !

પ્રેમ કહો છો, એ કાંઈ ઓછી બલા નથી;
એના નામે જિંદગીને ગુણવાની વાત છે !

આપના વગર જીવનમાં શેષ શું રહ્યું ?
ડાકલા, ભૂવા વગર ધૂણવાની વાત છે!

પ્રેમ પહેલાં બધાં જ વચનો એ બાંધી લો;
એ વાવ્યા પહેલાં જ, લણવાની વાત છે !

આમ મોતથી ડરીને જીવવાનું શું કહું ?
કસ્તૂરી ખાતર મૃગને હણવાની વાત છે !

થોડું જીવાય ક્યાંથી ?

થોડું જીવાય ક્યાંથી ?
થોડું મરાય ક્યાંથી ?

બે આંખમાંથી એની
ચીસો કળાય ક્યાંથી ? .

સપનું જુવે પથારી
એમાં સુવાય ક્યાંથી ?

છે સ્કૂલ ત્યાંની ત્યાં પણ
પાછું ભણાય ક્યાંથી ?

ખાલી મકાન પાછું
ખાલી કરાય ક્યાંથી ?

– 

એના એ જ છે

લોક જુદા, ભાર એના એ જ છે,
શ્વાસ જુદા, સાર એના એ જ છે.

રંગજીવનના ભલે જુદા હતા,
મૃત્યુના આકાર એના એ જ છે.

સ્વપ્ન જુએ તું ભલે આકાશનાં,
આંખના વિસ્તાર એના એ જ છે.

ફેરવી લીધું ભલે મોં એમણે,
આપણા વે’વાર એના એ જ છે.

આપણા ઝખ્મો ભલે જુદા હતા,
દિલ ઉપરના વાર એના એ જ છે.

દર્શક આચાર્ય