મૌલવીના ગામ વચ્ચે મય પીવાનું મન થયું

મૌલવીના ગામ વચ્ચે મય પીવાનું મન થયું,
આ તમારા પુણ્યને પડકારવાનું મન થયું.

સાવ ચીંધરેહાલ આખી જિંદગી ભટક્યા કર્યું,
આખરી ક્ષણને હવે શણગારવાનું મન થયું.

ચાંદ-સૂરજનું ગ્રહણ થાતું રહે છે એટલે,
તારલાની જેમ અમને જીવવાનું મન થયું.

જોખમી દાવો લગાવ્યા કાળના જુગારમાં,
ને હવે જીતેલ બાજી હારવાનું મન થયું.

આયનામાં ખુદને મળવાની ઘણી ઇચ્છા હતી,
લ્યો, મળ્યા તો કેમ આંસુ સારવાનું મન થયું ?

Advertisements

સાચું એ હોય છે જે સદા આવે ખ્વાબમાં?

‘સાચું એ હોય છે જે સદા આવે ખ્વાબમાં?’
તારો જ પ્રશ્ન પૂછી લીધો મેં જવાબમાં.

મારા પ્રણયમાં ક્યાંય કશીયે કમી નથી,
તારી જ ભૂલ લાગે છે મારા હિસાબમાં.

તારાં નયનની કોરથી અશ્રુ ઢળી રહ્યાં,
ફૂલોનો એક પ્રવાહ વહ્યો ફૂલછાબમાં.

શુધ્ધિનાં સાધનોથી ન સૌંદર્ય શોભતું,
ઝાકળ પડે તો દાગ રહે છે ગુલાબમાં.

લાગે છે મુજ વિશાળતા વિસ્તાર પામશે,
આવે છે એક વિરાન ધરા રોજ ખ્વાબમાં.

મારી ન થઇ કદી જે આ મારી છે જીંદગી

 

મારી ન થઇ કદી જે આ મારી છે જીંદગી

મારી ન થઇ કદી જે આ મારી છે જીંદગી,
જીવ પડીકે બાંધી સદા ગાળી છે જીંદગી.

વિચારું વિસામો મળે ક્યાંક, થાક્યો છું તો,
ક્યાં અટકે છે આ તો એકધારી છે જીંદગી.

બહાર ભલે સૂર્ય ધગધગે, ફરક નહીં પડે,
ઉધડતી બંધ થતી, એક બારી છે જીંદગી.

નવો દિવસ નવી ઠોકરો, નવીનવી શીખ,
કંઇક કેટલીય ભૂલોથી સંવારી છે જીંદગી.

આવશે તેમ દેવાશે એ જ પ્રથા ,
ક્યાં કદી ગંભીરતાથી વિચારી છે જીંદગી.

સહારો નહિ, મને તો જોઇએ સત્કાર આદરથી

સહારો નહિ, મને તો જોઇએ સત્કાર આદરથી

સહારો નહિ, મને તો જોઇએ સત્કાર આદરથી,
હું પડછાયો દીવાલોનો નહીં માંગુ કોઇ ઘરથી.

ઊડે એનેય પાડે છે શિકારી લોક પથ્થરથી,
ધરા તો શું, અહીં ખાલી નથી આકાશ ઠોકરથી.

નથી હોતો કિનારો ક્યાંય દુનિયાનાં દુ:ખો માટે,
તૂફાનો કોઇ દી પણ થઇ શક્યાં નહિ મુક્ત સાગરથી.

બૂરા કરતાં વધારે હોય છે મર્યાદા સારાને,
કરે છે કામ જે શયતાન, નહિ થાશે તે ઇશ્વરથી.

શરાબીની તરસ કુદરતથી બુઝાતી નથી, નહિ તો –
ઘટાઓ તો ભરેલી હોય છે વર્ષાની ઝરમરથી.

કમળની પ્યાસ પણ મારા સમી લાગે છે, ઓ ઝાકળ!
સરોવરમાં રહી મુખ ઊંચુ રાખે છે સરોવરથી.

ઘણાં અવતાર છે એવા નથી જાતાં જે પાણીમાં,
ઘણાં જળબિન્દુ મોતી થઇને નીકળે છે સમંદરથી.

ચણી દીવાલ દુનિયાએ તો આપે દ્વાર દઇ દીધાં,
નહીં તો હું જુદો ન્હોતો કદીયે આપના ઘરથી.

વસીને મારા અંતરમાં પુરાવો તેં જ દઇ દીધો,
મને દાવો હતો કે હું તને ચાહું છું અંતરથી.

અસર છે એટલી ‘બેફામ’ આ નૂતન જમાનાની,
પુરાણો પ્રેમ પણ કરવો પડ્યો મારે નવેસરથી.

– બરકત વીરાણી ‘બેફામ’

લાગણી જેવું જરાપણ હોય તો, પાછા વળો

લાગણી જેવું જરાપણ હોય તો, પાછા વળો

લાગણી જેવું જરાપણ હોય તો, પાછા વળો
નીકળે એવું નિવારણ હોય તો, પાછા વળો !

જિંદગી, કંઈ એકલાં વીતી શકે એવી નથી
ક્યાં જવું એની વિમાસણ હોય તો, પાછા વળો !

આપણા સંબંધનો ઈતિહાસ જાજરમાન છે
જો સ્મરણ એકાદ પણ ક્ષણ હોય તો, પાછા વળો !

ખ્યાલ નહીં આવી શકે, વૈશાખમાં ભીનાશનોં
આંખ નહીં, રગમાં ય શ્રાવણ હોય તો, પાછા વળો !

ફૂલ માફક મેં હથેળીમાં જ રાખ્યાં છે, છતાં
સ્વપ્નમાં પણ આવતું રણ હોય તો, પાછા વળો !

આમ તો મારા હિસાબે, હાથ છે સંજોગનોં
તોય બીજું કોઇ કારણ હોય તો, પાછા વળો !

ખેલદિલી તો અમારી ખાસિયત છે, આગવી
એ વિષયમાં ગેરસમજણ હોય તો, પાછા વળો !

આટલાં વરસે ન શોભે, આમ તરછોડી જવું
સ્હેજપણ શેનું ય વળગણ હોય તો, પાછા વળો !

હું ય જીરવી નહીં શકું આઘાત, આવો કારમો
‘ને તમારે પાળવું પ્રણ હોય તો, પાછા વળો !

સૌ રોજ મરતાં હોય છે એક હદ સુધી

સૌ રોજ મરતાં હોય છે એક હદ સુધી

સૌ રોજ મરતાં હોય છે એક હદ સુધી,
ને તોય હસતાં હોય છે એક હદ સુધી.

સાંનિધ્ય, હૂંફ, સ્પર્શ કોને ના ગમે,
પણ એય ગમતાં હોય છે એક હદ સુધી.

ગઝલો બની જન્મે એ પહેલાની કથા
શબ્દો બબડતા હોય છે એક હદ સુધી

નકકરપણું સહેલાઈથી મળતું હશે?
લોકો રઝળતા હોય છે એક હદ સુધી.

કેમ રોજ સાથે હોય છે એ બે જણાં,
સંબંધ અમસ્તા હોય છે એક હદ સુધી.

આ શાંત દેખાતા બધાયે માણસો
અંદર સળગતા હોય છે એક હદ સુધી.

શ્વાસને સદરાની માફક વેતરીશું આપણે

શ્વાસને સદરાની માફક વેતરીશું આપણે

શ્વાસને સદરાની માફક વેતરીશું આપણે,
મોત કેવું હોય છે જોવા મરીશું આપણે.

કોઇ ઠંડી આગનો માંગે પરિચય તો તરત,
આપણો તાજો જ આ ફોટો ધરીશું આપણે.

ખીણમાં જન્મ્યા છીએ તો ખીણને અજવાળશું,
આમ પણ શું ટોચને બચકા ભરીશું આપણે.

સૂર્યને એનાં જ કિરણોની સજા ફટકારવા,
આંગણા વચ્ચે અરીસો પાથરીશું આપણે.

શું થયું જો ચાલવામાં સહેજ આગળ થઇ ગયા,
એમની સાથે થવા પાછા ફરીશું આપણે.

જિંદગી જો જેલ છે તો જેલમાં જીવી જશું,
આમ પણ બીજે કશે તો કયાં ઠરીશું આપણે ?

વ્યાજ માફક એય બસ વધતી જ વધતી જાય છે,
આપણી નારાજગીનું શું કરીશું આપણે ?

ચંદ્રેશ મકવાણા ‘નારાજ’