પ્રીતમાં નિષ્ફળ જતાં ચારે તરફથી પ્રીત છે

પ્રીતમાં નિષ્ફળ જતાં ચારે તરફથી પ્રીત છે,
હારી ગયા તો શું થયું એમા અમારી જીત છે.

તાલ જો એને કોઈ આપે તો હું ગાયા કરું,
મારા હોઠોમાં છૂપેલાં જે મધુરાં ગીત છે.

કોઈ પાગલ થાય, કોઈ લીન હો વહેવારમાં,
પ્રેમ એકજ-કિંતુ એની જુદી જુદી રીત છે.

છે મને અફસોસ કે વર્ષો પછી સમજી શક્યો,
જેમાં તારું હિત છે એમાંજ મારું હિત છે.

હો ભલે નિંદા છતાં આવા મધુરા કંઠથી,
જે તમે કરતા રહ્યા છો એ તો સુંદર ગીત છે.

સૌ નિકટ જન શ્વાસલઈ રહ્યા છે ઓ ,
હો ભલે ચિતા સળગતી પણ હવા તો શીત છે.

– 

 

હવે શાની તમન્ના છે, હવે શાનો સવાલી છે ?

હવે શાની તમન્ના છે, હવે શાનો સવાલી છે ?
સિકંદરના જનાઝામાંથી નીકળ્યા હાથ ખાલી છે.

ભલા વિશ્વાસ શું બેસે બહુ ખંધુ હસે છે એ,
વચન આપી રહ્યા છે એમ, જાણે હાથતાલી છે.

તને ભ્રમણા છે તારી પર નિછાવર પ્રાણ સહુ કરશે,
મને છે એક અનુભવ જિંદગી સહુને વહાલી છે.

સુરાબિંદુ પડે છે તારી બેદરકારીથી નીચે,
ખબર તુજને નથી સાકી ઘણાના જામ ખાલી છે ?

તમારા રૂપની માફક કદરદાની કરો એની,
અમારી લાગણી પણ આપના જેવી રૂપાળી છે.

તમારા પ્રેમના સોગન, મદિરા મેં નથી પીધી,
વિરહમાં જાગરણના કારણે આંખોમાં લાલી છે.

મને વર્તમાનમાં લિજ્જત છે, ભાવિની નથી ચિંતા;
એ કારણે આખું જીવન મારું ખયાલી છે.

– 

 

ખતમ થઈ રહ્યા છે

સિતમ થઈ રહ્યા છે, જુલમ થઈ રહ્યા છે,
હવે પ્રેમમાં પણ નિયમ થઈ રહ્યા છે.

નવા દુશ્મનોનું નથી ખાસ જોખમ,
હવે દોસ્તો મારા, કમ થઈ રહ્યા છે.

જરા દૂર દ્રષ્ટિથી જોયું તો લાગ્યું,
કે નખશીખ આનંદ, ગમ થઈ રહ્યા છે.

મોહબ્બતના રસ્તાની શું વાત કરીએ,
ઉતાવળમાં ધીમે કદમ થઈ રહ્યા છે.

નિરાશાથી બાકી છે આ જિંદગાની,
કે નિશ્વાસ છે એજ દમ થઈ રહ્યા છે.

મરણની દશા છે, આવી રીતે,
જીવનમાં સબંધો ખતમ થઈ રહ્યા છે.

– 

કોઈ અમારું થયું નહિ

બસ એક વાર મોજ લૂંટી મન રહ્યું નહિ
જીવનમાં પ્રેમ દર્દ ફરીથી સહ્યું નહિ

સૌને કહું છું, ધ્યાન તમારુંજ છે મને,
કરજો ક્ષમા કે ધ્યાન તમારું રહ્યું નહિ.

મારે તો રાખવી હતી તારા વચનની લાજ,
તેથી તો ઈન્તેઝારમાં જીવન વહ્યું નહિ.

અંતિમ સમયમાં એમ એ જોતા રહ્યા મને,
કે એનું સૌ, ને મારું કશુંયે ગયું નહિ.

સ્નેહી જનોના પ્રેમમાં શંકા નથી મગર,
લાગે છે કેમ કે કોઈ અમારું થયું નહિ.

મારો નજૂમી પણ મને સમજી ગયો ,
ભાવિમાં સુખ છે, તેથી વધુ કંઇ કહ્યું નહિ.

– 

જયારે હૃદયમાં કોઈ કશો ગમ નહીં રહે

જયારે હૃદયમાં કોઈ કશો ગમ નહીં રહે,
મારો સ્વભાવ આવો મુલાયમ નહીં રહે.

નિર્ભર પ્રસંગો પર છે જીવનભરનો કારભાર,
સુખની શી વાત ? દુઃખ અહીં કાયમ નહીં રહે.

બાકી રહે જો બાગ તો છે પાનખર કબૂલ,
એમાં ભલે વસંતની મોસમ નહીં રહે.

એ બ્હાને એની સાથ કરી લઉં છું વાતચીત,
છો નાકબૂલ થાય, અરજ કમ નહીં રહે.

ન ઘડ તું વર્તમાનને ભાવિના આશરે,
આજે છે જેવી કાલે એ આલમ નહીં રહે.

એ જાણતા નથી, બહુ મોડું થઇ ચૂક્યું,
એ આવશે ‘મરીઝ’ અહીં દમ નહીં રહે.

– 

મહેફિલ પૃષ્ઠ – 01

મુજ પર સિતમ કરી ગયા મારી ગઝલના શેર,
વાંચીને એ રહે છે બીજાના ખ્યાલમાં.
– 


ફ્રેમ જેનાથી જડી એ ખીલી ખૂંપી છે ભીતર
ને લટકતા બધા ફૂલહાર ઉપરછલ્લા છે,
 ­­


એના ઈશારા રમ્ય છે, પણ એનું શું કરું-
રસ્તાની જે સમજ દે અને ચાલવા ન દે !
– 


એકાદ હો તો એને છુપાવી શકું, ‘મરીઝ’ !
આ પ્રેમ છે ને એના પુરાવા હજાર છે.
– 


લેવા ગયો જો પ્રેમ તો વહેવાર પણ ગયો,
દર્શનની ઝંખના હતી, અણસાર પણ ગયો.
– 


હું કયાં કહું છું, આપની ‘હા’ હોવી જોઈએ,
પણ ના કહો છો એમાં વ્યથા હોવી જોઈએ.
– 


એ ‘ના’ કહીને સહેજમાં છટકી ગયાં ‘મરીઝ’,
કરવી ન જોઈતી’તી ઉતાવળ સવાલમાં.
– 


એ સૌથી વધુ ઉચ્ચ તબક્કો છે મિલનનો,
કહેવાનું ઘણું હો ને કશું યાદ ન આવે.
– 


ફળી છે જે જે આશા, તેના મેં અંજામ જોયા છે,
હવે કાંઈ ખાસ દુ:ખ જેવું નથી થાતું નિરાશાથી.
– 


બસ, દુર્દશાનો એટલો આભાર હોય છે,
જેને મળું છું, મુજથી સમજદાર હોય છે.
– 


હવે એની ઉપરથી આપ મારી દુ:ખ કથા સમજો,
જવાનીમાં કરું છું યાદ વીતેલી જવાનીને.
– 


જિંદગીના રસને પીવામાં કરો જલ્દી, ‘મરીઝ’
એક તો ઓછી મદિરા છે ને ગળતું જામ છે.
– 


 

 

 

માનજો પ્રેમની એ વાત નથી

માનજો પ્રેમની એ વાત નથી,
એ જો થોડીક વાહિયાત નથી.

આહ! કુદરતની અલ્પ સુંદરતા!
પૂરેપૂરો દિવસ પ્રભાત નથી.

હું તો કેદી છું ખૂદના બંધનનો,
બહારનો કોઇ ચોકિયાત નથી.

તેથી પુનર્જન્મમાં માનું છું,
આ વખતની હયાત, હયાત નથી.

ક્યાંથી દર્શન હો આખા માનવનૂં,
આખો ઈશ્વર સાક્ષાત નથી.

અન્ય અંધારા પણ જીવનમાં છે,
એક કેવળ વિરહની રાત નથી.

આખી દુનિયાને લઇને ડૂબું છું,
આ ફક્ત મારો આપઘાત નથી.

આમ દુનિયા વિના નહીં ચાલે,
આમ દુનિયાની કોઈ વિસાત નથી.

વાત એ શું કહે છે એ જોશું,
હજી હમણાં તો કંઈ જ વાત નથી.

ભેદ મારાં છે – તે કરું છું સ્પષ્ટ,
એમાં કોઈ તમારી વાત નથી.

મારું સારું બધું સહજ છે ‘મરીઝ’,
કેળવેલી આ લાયકાત નથી.