એવો કોઇ દિલદાર જગતમાં નજર આવે

TW 01

 

એવો કોઇ દિલદાર જગતમાં નજર આવે ;
આપી દે મદદ કિતું ન લાચાર બનાવે.

હમદર્દ બની જાય જરા સાથમાં આવે ;
આ શું કે બધા દૂરથી રસ્તા જ બતાવે !

શું એને ખબર, કોની નજર પ્યાસી રહી ગઇ ?
જે ભેજમાં ચાલે અને પાલવ ન ઉઠાવે.

એ સૌથી વધુ ઉચ્ચ તબક્કો છે મિલનનો,
કહેવાનું ઘણું હો ને કશું યાદ ન આવે.

વાતોની કલા લ્યે કોઇ પ્રેમીથી તમારા,
એક વાત કરે એમાં ઘણી વાત છુપાવે.

રડવાની જરૂરત પડે ત્યાં સૂકાં નયન હો,
ને હસતો રહું ત્યાં જ જ્યાં હસવું નહિ આવે.

છે મારી મુસીબતનું એક આ કારણ,
હું મુજથી રૂઠેલો છું, મને કોણ મનાવે ?

– 

Advertisements

આ મોહબ્બત છે, કે છે એની દયા, કહેતા નથી

આ મોહબ્બત છે, કે છે એની દયા, કહેતા નથી,
એક મુદ્દત થઇ કે, તેઓ હા કે ના કહેતા નથી…

લ્યો નવાઇ આપની શંકા સુધી પહોંચી ગઇ,
બસ હવે આગળ અમે દિલની કથા કહેતા નથી…

એને તું સંયમ કહે, તારી કૃપા કિંતુ અમે,
મનમાં નબળાઇ છે તેથી દુર્દશા કહેતા નથી…

એ જ લોકો થઇ શકે છે મહેફિલોની આબરૂ,
જેઓ વેરાનીને પણ સૂની જગા કહેતા નથી…

બે જણા દિલથી મળે તો એક મજલીસ છે ,
દિલ વિના લાખો મળે, એને સભા કહેતા નથી…

– 

જે એ કહે કોઈ ન વ્યસન હોવું જોઈએ

જે એ કહે કોઈ ન વ્યસન હોવું જોઈએ,
કેવું અઘરું એનું જીવન હોવું જોઈએ…

ફુલોમાં કેમ શ્રેષ્ઠ છે ફુલો કપાસના,
એમાં છૂપેલું મારું કફન હોવું જોઈએ…

આમ જ નિભાવે પ્રેમને એવાય હોય છે,
એવું કશું નથી કે વચન હોવું જોઈએ…

જીવનમાં લાખ ઘટના બને છે, ભલે બને,
એમાંથી એક-બેનું મનન હોવું જોઈએ…

કોઈ અગમ્ય ડરથી ઉપડતા નથી કદમ,
બસ આટલામાં એનું સદન હોવું જોઈએ…

આવું સરસ ન હોય વાતાવરણ કદી,
કોઈની સાથે તારું મિલન હોવું જોઈએ…

પ્રેમાળ થઈને કોઈ શિખામણ દઈ શકે,
જીવનમાં એક એવું પતન હોવું જોઈએ…

આંસુ ઢળીને હોઠ પર આવી ગયા ,
પીવાને માટે મારું રુદન હોવું જોઈએ…

– 

આ જગતમાં પ્રેમીઓ એવા પણ આવી જાય છે

આ જગતમાં પ્રેમીઓ એવા પણ આવી જાય છે,
જે વચન દેતા નથી તોય નિભાવી જાય છે…

બહારના જીવનના છે, એ મારા જીવનના નથી,
તે પ્રસંગો કે જે મારું દિલ દુઃખાવી જાય છે…

મારી કિસ્મત છે જુદી,તારું મુકદર છે અલગ,
કોઈ વખત એક જગા પર કેમ આવી જાય છે…

છું બહુ જુનો શરાબી જામથી ખેલું છુ હું,
હો નવા પીનાર તેઓ ગટગટાવી જાય છે…

ઓ શિખામણ આપનારા, તારો આભારી છું હું,
મારા આ રડમસ જીવનમાં તું હસાવી જાય છે…

મારી નિષ્ફળતા ભલી, એમાં કોઈ ખામી નથી,
ઓ સફળતા, કોણ અહીં સંપૂર્ણ ફાવી જાય છે…

લાવો મારી પાસે હું અમૃતથી મારું એમને,
ઝેર જેવી ચીજ પણ જેઓ પચાવી જાય છે…

મારું આ બેહોશ જીવન પૂર્ણ તો થાએ ,
હું નથી હોતો તો એ વિતાવી જાય છે…

– 

એમ તારી ઉપર મરે કોઈ

એમ તારી ઉપર મરે કોઈ,
ખુદ તને પણ અમર કરે કોઈ…

જે છે દાતાર ઓળખતા નથી,
હાથ ક્યાં ક્યાં જઈ ધરે કોઈ…

તારી સામે જ નાઝ હો ઓ ખુદા,
તારી સામે જ કરગરે કોઈ…

ચારે બાજુ બધું જ સરખું છે,
કઈ દિશામાં કદમ ભરે કોઈ…

થાક એનો કદી ઉતરતો નથી,
જ્યારે બેસી રહે ઘરે કોઈ…

એક ખૂણો નિરાંતનો બસ છે,
આખી દુનિયા શું કરે કોઈ…

પ્રાણ એક જ છે કંઈક છે હક્ક્દાર,
કોની ઉપર કહો મરે કોઈ…

રૂપના બે પ્રકાર જોયા છે,
ચાહ રે કોઈ, વાહ રે કોઈ…

એ જ હિંમતનું કામ છે ઓ ,
ખુદના ચારિત્રથી ડરે કોઈ…

–– 

જીવન-મરણ છે એક બહુ ભાગ્યવંત છું

જીવન-મરણ છે એક બહુ ભાગ્યવંત છું,
તારી ઉપર મરું છું હું તેથી જીવંત છું…

ખૂશ્બૂ હજી છે બાકી જો સૂંઘી શકો મને,
હું પાનખર નથી-હું વીતેલી વસંત છું…

હદથી વધી જઈશ તો તરત જ મટી જઈશ,
બિંદુની મધ્યમાં છું-હું તેથી અનંત છું…

બન્ને દશામાં શોભું છું – ઝુલ્ફોની જેમ હું,
વીખરાયેલો કદી છું, કદી તંતોતંત છું…

મારા પ્રયાસ અંગે, ન આપો સમજ મને,
બુધ્ધિનો જેમાં ભાગ નથી એવો ખંત છું…

રસ્તે પલાંઠી વાળીને-બેઠો છું હું ,
ને આમ જોઈએ તો ન સાધુ ન સંત છું…

– 

 

જે ન લૂંટાય તે દોલત છે અમારી પાસે

જે ન લૂંટાય તે દોલત છે અમારી પાસે,
બસ ફક્ત એક મોહબ્બત છે અમારી પાસે…

દર્દ જે દીધું તમે પાછું તમે લઈ શકશો,
એ હજી સાવ સલામત છે અમારી પાસે…

આપ ચિંતા ન કરો, આપ ન બદનામ થશો,
કે બધા ભેદ અનામત છે અમારી પાસે…

કોઈ સમજી ન શકે એમ બધું કહી દઈએ,
કંઈક એવીય કરામત છે અમારી પાસે…

પ્રેમ વહેવાર નથી એમાં દલીલો ન કરો,
કે દલીલિ તો અકારત છે અમારી પાસે…

રાહ ક્યાં જોઈએ આગામી કયામતની ?
એક અમારીય કયામત છે અમારી પાસે…

–