હું એટલે સમયની રફતારની ઉદાસી

હું એટલે સમયની રફતારની ઉદાસી
અજવાસની અણી પર અંધારની ઉદાસી

આંખો ભલે છૂપાવે આંસુની અર્થીઓને
જાહેર થઈને રહેશે નાદારની ઉદાસી

કહેવાય છે કે મનની શ્રાપિત છે હવેલી
ભટકે છે આજ પણ ત્યાં મરનારની ઉદાસી

એવું નથી કે આવે અઠવાડિયાને અંતે
ઘેરી શકે છે વચ્ચે બુધવારની ઉદાસી

તારા બધા દિલાસા નકશાની દીવાદાંડી
અહીંયા વમળ વમળ છે મઝધારની ઉદાસી

હું બારણું બનીને ઉભો છું ઉંબરામાં
ઘરની બહાર ગઈ છે ઘરબારની ઉદાસી

તાજા ખબરમાં એ કે ચગદાઈ ગઈ અચાનક
આ ભીડભાડ મધ્યે બે-ચારની ઉદાસી

મારી કિતાબને પણ મારી ચિતામાં હોમો
ઓ પાર લઈ જવી છે આ પારની ઉદાસી

તારાં સ્મરણની રાતે કાળાશ વિસ્તરી છે
જોયા કરે જૂનાગઢ ગિરનારની ઉદાસી

લ્યો શબ્દ શબ્દ થઈને કાગળમાં ઊતરી છે
ગઢવીની આંગળીથી ગુલઝારની ઉદાસી

– 

Advertisements

પડદો હટાવી દઉં તો નહીં ઓળખી શકો

પડદો હટાવી દઉં તો નહીં ઓળખી શકો
નાટક બતાવી દઉં તો નહીં ઓળખી શકો

પરછાઈને લીધે જ પરિચય છે આપણો
સૂરજ છૂપાવી દઉં તો નહીં ઓળખી શકો

રહેવા દો કૈંક ભેદ હવે દરમિયાનમાં
ધુમ્મસ બૂઝાવી દઉં તો નહીં ઓળખી શકો

ચહેરા ઉપરના સર્વ ઉદાસીના ભાવને
ઘરમાં સજાવી દઉં તો નહીં ઓળખી શકો

ભટક્યા છો ઠેર-ઠેર તમે જેની શોધમાં
એ ચીજ લાવી દઉં તો નહીં ઓળખી શકો

– 

હું શમણાંઓને ગાળું છું એ ઘટનાઓને લૂંછે છે

હું શમણાંઓને ગાળું છું એ ઘટનાઓને લૂંછે છે,
હું શબ્દ બનીને સળગું છું એ મૌન લખીને ઘૂંટે છે.

નિસ્તેજ થયેલી આંખોને સૂરજની વાતો યાદ નથી,
અફસોસ બીચારું અંધારું અહેસાસ ઉદયનો પૂછે છે.

તું આવ અષાઢી સાંજે કે વરસાદ બનીને મળવું છે,
તું આવ કે મારા આકાશે આખું ચોમાસું ઉડે છે.

હું સ્વપ્ન ભલા ક્યાંથી વાવું ? જઈ પૂછ વિરહની રાતો ને,
અહીં રોજ નિરાશા ફણગે છે અહીં રોજ નિસાસા ઊગે છે.