માનવીને આ જગત આદમથી શેખાદમ સુધી

માનવીને આ જગત આદમથી શેખાદમ સુધી
એજ દોરંગી લડત આદમથી શેખાદમ સુધી.

એજ ધરતી એજ સાગર એજ આકાશી કલા
એજ રંગીલી રમત આદમથી શેખાદમ સુધી.

રૂપનું રંગીન ગૌરવ પ્રેમના લાચાર હાલ
એજ છે(લાગી શરત) આદમથી શેખાદમ સુધી.

મોતને શરણે થવામાં સાચવે છે રમ્યતા
જિંદગીની આવડત આદમથી શેખાદમ સુધી.

ફૂલમાં ડંખો કદી કયારેક કાંટામાં સુવાસ
લાગણીની આ રમત આદમથી શેખાદમ સુધી.

બુધ્ધિની દીપક ના સામે ઘોર આંધારા બધે
એ એક સત બાકી અસત આદમથી શેખાદમ સુધી.

બુધ્ધિ થાકી જાયતો લેવો સહારો પ્રેમનો
સારી છે આ બૂરીલત આદમથી શેખાદમ સુધી.

મોતનું બંધન છતાં કરતો રહ્યો છે માનવી
જિંદગીની માવજત આદમથી શેખાદમ સુધી.

જિંદગી પર રૂપ યૌવન પ્રેમ મસ્તી ને કલા
સૌ રહ્યા છે એક મત આદમથી શેખાદમ સુધી.

કોઈના ખોળે ઢળી છે કે પોઢી ઠંડક પામવા
માનવી છે યત્ન રત આદમથી શેખાદમ સુધી.

રંગ બદલાતા સમયના જોઇ દિલ બોલી ઉઠ્યું
’શું ખરું ને શું ગલત આદમથી શેખાદમ સુધી.

– 

તિમિરના હાથે સૂરજના ઈશારા વેચવા માંડો

તિમિરના હાથે સૂરજના ઈશારા વેચવા માંડો
ગગન ખાલી કરી દો ચાંદતારા વેચવા માંડો

કિનારાની જરૂરત ક્યાં રહી છે ડૂબનારાને
કે એ ડૂબી જશે હમણાં કિનારા વેચવા માંડો

કે ઓ સોદાગરો લાચારીના સોનેરી તક આવી
ઘણી મજબૂર છે દુનિયા સહારા વેચવા માંડો

કે આ દૂરત્વના બદલામાં છે નૈકટ્યનો સોદો
કે આંસુના બદલામાં સિતારા વેચવા માંડો

જો વેચી નાખો તો સારું કે એ છે વિઘ્ન રસ્તાના
તકાદો મંઝિલોનો છે ઉતારા વેચવા માંડો

હવે બાગોને ભડકા જોઈએ ફૂલો નહીં આદમ
બુઝાઈ જાય તે પહેલા તિખારા વેચવા માંડો

હકીકતનો તો એવો તાપ છે લાચાર દુનિયામાં
કે આદમ સ્વપ્નના શીતલ ફુવારા વેચવા માંડો

– 

જીવી રહ્યો છું કોની તમન્ના ઉપર હજી

જીવી રહ્યો છું કોની તમન્ના ઉપર હજી
આપું જવાબ એવું તો ક્યાં છે જિગર હજી

ભૂલી ગયો છું એમ તો દુનિયાનાં ઘર તમામ
આવી રહ્યું છે યાદ મને એનું ઘર હજી

કેવી રીતે હું લાશ બની નીકળ્યો હતો
શોધી રહ્યો છું એની ગલીમાં કબર હજી

હું જોઉં છું તો જોઉં છું એની જ દૃષ્ટિએ
મારી નજરમાં કેમ છે એની નજર હજી

તરડે છે કેમ આયનો મારા વિચારનો,
વરતાય છે આ કોના વદનની અસર હજી

ક્ષણ ક્ષણ કરીને કેટલા યુગ વીતતા રહ્યા
એ બેખબરને ક્યાં છે સમયની ખબર હજી

ગણતા રહો સિતારા તમે ઇંતેજારમાં
આદમ તમારે જાગવું છે રાતભર હજી

– 

આંસુઓને અમે સમજીશું નયનનાં પગલાં

આંસુઓને અમે સમજીશું નયનનાં પગલાં,
જેમ તારાઓને સમજ્યા છે ગગનનાં પગલાં.

એક ઠોકર ન મળી મોત આવ્યું ને ગયું,
રહી ગયાં માટીની નીચે જ કફનનાં પગલાં.

એ ભલે ગેબી હતો જોઈ શકાયો નોતો,
પર્વતો પર હજી અંકિત છે પવનનાં પગલાં.

પાનખરમાં મને આવ્યો છે આ વાસંતી વિચાર,
ચાલ ફૂલોને ગણી લઈએ ચમનનાં પગલાં.

જાગતું તન છે પથિક પથ અને મંઝિલ આદમ,
કેમ શોધો છો તમે સ્વપનમાં મનનાં પગલાં.

– 

હું તને ક્યાં ચાહું છું ચાહું છું મારી જાતને

હું તને ક્યાં ચાહું છું ચાહું છું મારી જાતને
તું હજી સમજી નથી આ સીધીસાદી વાતને

કોણ છે મારું કે તારું, કોઈ ક્યાં છે કોઈનું
કોણ ઝીલે છે હ્રદય પર પારકા આઘાતને

હું જ છું એ હું જ છું, છે ભેદ કેવળ રૂપનો
આ હવા એક જ કરે છે વાત ઝંઝાવાતને

ફેંકશે પથ્થર તો પોતાનું જ માથું ફોડશે
ભાંડશે આદમ કહો શી રીતે આદમજાતને

– 

હવે તો બસ થયું બુદ્ધિ ! હું પાગલ થાઉં તો સારું !

હવે તો બસ થયું બુદ્ધિ ! હું પાગલ થાઉં તો સારું !
છલકવાનો સમય આવ્યો, છલોછલ થાઉં તો સારું !

જીવનનો ગરજતો સાગર ઘણો ગંભીર લાગે છે,
હવે હું ચાંદનીની જેમ ચંચલ થાઉં તો સારું !

જુઓ કિરણો વિખેરાયાં, ને ગુંજનગીત રેલાયાં,
હૃદય ઈચ્છી રહ્યું છે આજ : શતદલ થાઉં તો સારું !

મને આ તારી અધબીડેલ આંખોમાં સમાવી લે,
મને તો છે ઘણી ઈચ્છા કે કાજલ થાઉં તો સારું

ભલે હું શ્યામ લાગું, પણ મિલન આવું મળે કોને ?
તમન્ના છે કે તારા ગાલનો તલ થાઉં તો સારું !

યુગો અગણિત ભલે વીતે, મને એની નથી પરવા,
હું પ્રેમી કાજ એક જ પ્રેમની પલ થાઉં તો સારું !

મને એવા રૂપાળા ઘાવ દુનિયાએ કર્યા અર્પણ–
કે ખુદ દુનિયાને થઈ આવ્યું : ઘાયલ થાઉં તો સારું !

જીવનમાં આમ તો ક્યાંથી મળે લયબદ્ધ ચંચળતા
હું તારા ખૂબસૂરત પગની પાયલ થાઉં તો સારું !

તને તો આવડે છે ઠંડી ઠંડી આગ થઈ જાતાં,
મને છે મૂંઝવણ કે આંખનું જલ થાઉં તો સારું !

– 

ગંભીરતાના દોરમાં ચંચલ બની જાશું

ગંભીરતાના દોરમાં ચંચલ બની જાશું
બુધ્ધિનું જોર વધશે તો પાગલ બની જાશું

શિવને શરીરે એમ તો શોભીશું ભસ્મ થૈ
ત્રીજું નયન ઉઘડશે તો કાજલ બની જાશું

મળશે અમોને મોકો તો ઈર્ષાને વશ થઈ
સૂરત તમારી ઢાંકવા ઓઝલ બની જાશું

કરવો હશે જો સ્પર્શ તો થઈ જશું ઓઢણી
ચરણો તમારા ચૂમવા પાયલ બની જાશું

જે કંઈ હશે તમારું સ્વીકારીશું પ્રેમથી
ઘાવો હશે તમારા તો ઘાયલ બની જાશું

અદમ સ્વભાવ એવો છે જીવનની કૂચમાં
જંગલ જોવચ્ચે આવશે મંગલ બની જાશું

– 

કે ઘડપણમાં નવા અરમાન હો માની નથી શકતો

કે ઘડપણમાં નવા અરમાન હો માની નથી શકતો
કિનારા પર વળી તોફાન હો માની નથી શકતો

ગજબની વાત કે આવ્યો પવન ફોરમ વિના પાછો
તમારો બાગ ને વેરાન હો માની નથી શકતો

કહે છે લોક કે નિર્ભય છો તમે તો આ પછી શું છે
તમારા દર ઉપર દરવાન હો માની નથી શકતો

અમારી આ અવસ્થા કેમ છે નિષ્પ્રાણના જેવી
અમારામાં તમારો જાન હો માની નથી શકતો

નિમંત્રણ હે ગુમાની મોકલ્યું તો છે ખરું અમને
સિતારા સૂર્યના મહેમાન હો માની નથી શકતો

– 

આ ચાંદની આંખે જુઓ સૂરજના સપનને

આ ચાંદની આંખે જુઓ સૂરજના સપનને,
આકાશની લીલામાં તો શામેલ છે બન્ને.

પામરને તમે આપી છે આ કેવી બુલંદી,
ઊંચેથી મને પટકો ને સોંપી દો પતનને.

ફૂલોને જો હસવાનો અધિકાર નથી તો,
સળગાવી દો તમે મિત્રો એવા ચમનને.

એ શક્ય નથી એટલે આવ્યો છું વતનમાં,
નહિતર હું સાથે જ લઈ જાત વતનને.

બંધનથી રહી દૂર એ વિસ્તરતું રહ્યું છે,
સીમાંઓમાં બાંધી ન શક્યું કોઈ ગગનને.

છોડ્યું છે સુરાલય છતાં ઝરમરમાં તો આદમ,
તરસું છું હજી પ્યાસને, પ્યાલાને, પવનને.

આદમને ખબર આખરી સર્જન છે એ તેથી,
રંગીન લિબાસોને તજી, લીધું કફનને.

– 

દર્દ આપ મુજને એવું કે ત્યાગી શકાય ના

દર્દ આપ મુજને એવું કે ત્યાગી શકાય ના,
ઊંઘી શકાય ના અને જાગી શકાય ના.

એ બેવફાનો પ્રેમ મળે એ રીતે મને,
ઈચ્છા તો હોય ખૂબ ને માંગી શકાય ના.

આપે તો આપ સ્વર્ગ મને એ પ્રકારનું,
હું પાપ પણ કરું અને ભાગી શકાય ના.

એવું મિલન ન ભાગ્યમાં ‘આદમ’ કદી મળે,
એને મળું અને ગળે લાગી શકાય ના.

–