શંકાથી પર થવાય ને! ત્યારે જીવાય છે

શંકાથી પર થવાય ને! ત્યારે જીવાય છે,
શ્રધ્ધા પૂરી સ્થપાય ને! ત્યારે જીવાય છે;

સાવ જ અજાણ્યા લોકના દુ:ખ-દર્દ જોઇને,
આ આંખ ભીની થાય ને! ત્યારે જીવાય છે,

હોવું નશામાં એકલું કાફી નથી હોતું!
પીડા બધી ભૂલાય ને! ત્યારે જીવાય છે;

ગમતું કોઈક આવીને પૂછી લે ‘કેમ છો?’
ડૂમો પછી ભરાય ને! ત્યારે જીવાય છે;

છૂટાં છવાયા શેર લખો, સાચવો ભલે!
આખી ગઝલ લખાય ને! ત્યારે જીવાય છે;

તારા થઈ જવાથી મને એ ખબર પડી!
તારા થઈ જવાય ને! ત્યારે જીવાય છે.

– હિમલ પંડ્યા ‘પાર્થ’

જીવવાની એ જ રીત ખરી જાણતો હતો

જીવવાની એ જ રીત ખરી જાણતો હતો,
જે અણગમાઓ સઘળા તજી જાણતો હતો

હસતા સહી ગયો’તો પીડાઓના ભારને,
તરકીબ સહુથી સાવ જુદી જાણતો હતો

માણી શક્યો’તો એ જ આ મહેફીલની સૌ મજા,
અહીંયાથી સમયસર જે ઊઠી જાણતો હતો

અંતે ભળી ગયો ને તું ટોળાની વાતમાં!
પણ તું ય હકીકત ક્યાં પૂરી જાણતો હતો?

પાછું વળીને એમણે જોયું હશે નક્કી,
એના હૃદયની સાચી સ્થિતિ જાણતો હતો

મેં એટલે આ માર્ગ કવિતાનો લઈ લીધો!
ક્યાં બંદગીની રીત બીજી જાણતો હતો?

– હિમલ પંડ્યા ‘પાર્થ’

એકલી, બસ એકલી કડવાશ લઈ જીવતા હતાં

એકલી, બસ એકલી કડવાશ લઈ જીવતા હતાં,
જિંદગીમાં એટલે અવકાશ લઈ જીવતા હતાં.

‘કાશ’ને ભૂલીને જેઓ ‘હાશ’ લઈ જીવતા હતાં,
એ જ સાચા અર્થમાં હળવાશ લઈ જીવતા હતાં.

એમણે એકાદ વેળા પણ અહીં જોયું નહીં,
કોણ જાણે આપણે કઈ આશ લઈ જીવતા હતાં!

આ સંબંધો કોઈ પણ મોસમમાં મ્હોરી ક્યાં શક્યાં?
પાંદડે એ કાયમી પીળાશ લઈ જીવતા હતાં.

એક પણ પાનું હુકમનું કોઈ દિ’ નીકળ્યું નહીં!
આ અમે કેવી ક્ષણોની તાશ લઈ જીવતા હતાં?

પ્હોંચતાવેંત જ પૂછાયો પ્રશ્ન એવો સ્વર્ગમાં,
કેટલાં વરસોથી આવી લાશ લઈ જીવતા હતાં?

હિમલ પંડ્યા ‘પાર્થ’

આમ તો એવું જ થાવું જોઈએ

આમ તો એવું જ થાવું જોઈએ,
મોકળા મનથી જીવાવું જોઈએ.

જિંદગીનો સૂર છો ને લડખડે,
ગીત ગમતું છે, તો ગાવું જોઈએ.

એક ચહેરો આઈનાની એ તરફ!
ત્યાં સુધી તો રોજ જાવું જોઈએ.

સ્વાર્થ-નફરત-દ્વેષ-ઈર્ષ્યા-છળકપટ,
આ બધું પડતું મૂકાવું જોઈએ.

ભીતરે દરિયા વહે એ ચાલશે,
બ્હાર તો આંસુ સૂકાવું જોઈએ.

બે ઘડી તો બે ઘડી, પણ હોય તું!
ભાગ્યમાં એ પણ લખાવું જોઈએ.

– હિમલ પંડ્યા ‘પાર્થ’

અટકશે ક્યાં જઈને આ જમાનો, કો’ક તો બોલો

અટકશે ક્યાં જઈને આ જમાનો, કો’ક તો બોલો,
વખત આથી ય શું ભારે થવાનો, કો’ક તો બોલો.

જનમ આ માનવી કેરો મળ્યો વરદાનરૂપે કે –
ખુદાએ લાગ ગોત્યો છે સજાનો ? કો’ક તો બોલો.

હૃદયની લાગણીઓ, પ્રેમ ને વિશ્વાસ – સંબંધો,
થશે અંજામ શું આખર બધાનો ? કો’ક તો બોલો.

બધું ભૂલી જવું છે દોસ્ત મારે, બોલ શું કરવું?
અનુભવ છે અહીં કોને નશાનો, કો’ક તો બોલો.

હજારો વેદનાઓ મેં છુપાવી છે હૃદય માંહે,
મળે ક્યો આદમી આવા ગજાનો, કો’ક તો બોલો.

અનોખી આપણી મહેફિલ અને અંદાજ નોખો છે,
મળ્યો છે માંડ આ મોકો મજાનો, કો’ક તો બોલો.

અમે તો ‘પાર્થ’ હૈયું ઠાલવી બેઠાં ગઝલરૂપે,
ન રાખો આજ કોઈ ભેદ છાનો, કો’ક તો બોલો.

– હિમલ પંડ્યા ‘પાર્થ’

સહેજ અલ્લડ, સહેજ અણઘડ, સહેજ બેદરકાર છું

સહેજ અલ્લડ, સહેજ અણઘડ, સહેજ બેદરકાર છું,
એ છતાં યે સાંભળી લે, હું જ તારો પ્યાર છું;

રોજ હું આવીશ તારા ઊંબરા સુધી સનમ,
હું જ સૂરજનું કિરણ, હું રાતનો અંધાર છું;

દોસ્ત જે અંગત હતાં એ હાલ સૌ પૂછી ગયાં,
હું પડ્યો જો પ્રેમમાં, સહુને થયું બીમાર છું;

વ્હેમ આ મારા જ મનનો હોય તો યે છો રહ્યો,
માંગનું સિંદૂર હું, તારા ગળાનો હાર છું;

જિન્દગી તારી ભલે ને વારતા જેવી હશે,
આખરે તો હું જ એ આખી કથાનો સાર છું

– હિમલ પંડ્યા ‘પાર્થ’

વાત માંડી છે હજુ, અંજામ લઈને આવ મા

વાત માંડી છે હજુ, અંજામ લઈને આવ મા,
જીતવા તો દે મને, ઈનામ લઈને આવ મા.

આ નગરની હર ગલી શોખીન સન્નાટાની છે,
શબ્દને તું આમ ખુલ્લેઆમ લઈને આવ મા.

ક્યાંય સુકાયા નથી કોઈ આંખના દરિયા હજુ,
હોઠ પર ‘શ્રી રામ’ કે ‘ઈસ્લામ’ લઈને આવ મા.

જીન્દગી આખી વીતાવી ભૂલવામાં જેમને,
એમની તસ્વીર, એનું નામ લઈને આવ મા.

હું હળાહળ ઝેરને પીવા મથું છું ક્યારનો,
દોસ્ત, અત્યારે છલકતો જામ લઈને આવ મા.

– હિમલ પંડ્યા ‘પાર્થ’

જે માનતો નથી એ કદી નહી કહી શકું

જે માનતો નથી એ કદી નહી કહી શકું,
સાવ જ અમસ્તી લાગણીમાં નહી વહી શકું;

સહુનો મળે ન પ્રેમ તો એ ચાલશે મને,
સહુ અવગણે મને તો હું એ નહી સહી શકું;

આ થાય, આ ન થાય, આ કરાય, ના કરાય;
તમને ગમે એ રીતથી તો નહી રહી શકું!

સાચું જો કહેવા જઇશ તો માર્યો જઈશ, ને-
ખોટું મરી જઈશ છતાં નહી કહી શકું!

આ બસ ખુમારી છે જે ટકાવી રહી મને;
એના વિના હું ક્યાંય ટકી નહી રહી શકું.

– હિમલ પંડ્યા ‘પાર્થ’

જીવન વિશે પૂછે તો કહું ઝેર છે પ્રભુ!

જીવન વિશે પૂછે તો કહું ઝેર છે પ્રભુ!
દરબારમાં તારા હવે અંધેર છે પ્રભુ!

સાચું કહે છે એમની ક્યાં ખેર છે પ્રભુ?
ડામીસને ઘેર જો ને લીલાલ્હેર્ છે પ્રભુ!

દુશ્મનને પ્રેમ આપવાની વાત તેં કરી,
અહિંયાં તો સગા ભાઈઓમાં વેર છે પ્રભુ!

હ્રદય સિવાય જોઈ લો ધબકે છે બધું અહિં,
માણસ વિનાનું જાણે કોઈ શ્હેર છે પ્રભુ!

આવ્યો’તો તારા દર્શને પગભર થવાને કાજ,
શોધું છું ક્યાં પગરખાંની પેર છે પ્રભુ?

– હિમલ પંડ્યા ‘પાર્થ’

કશું ખૂટતું નથી તો યે કશું આપી જવાને આવ!

કશું ખૂટતું નથી તો યે કશું આપી જવાને આવ!
તું મારી જીંદગીમાં કોઈ ને કોઈ બહાને આવ!

મજાનું સ્વપ્ન થઈને પાંપણોકેરા બિછાને આવ!
તું મારી સંગ આખાયે ગગનને આંબવાને આવ!

બની જા ગીતનો લય કે ગઝલનો કોઈ મિસરો થા!
મૂકી રાખી છે મેં એ ડાયરીના પાને-પાને આવ!

છુપાવીને તને રાખી શકું એવી વ્યવસ્થા છે,
જરા હિંમત કરીને બસ, હૃદયના ચોરખાને આવ!

મેં ઈશ્વરને નથી જોયો, અનુભવ્યો કે સાંભળ્યો!!
છતાં કલ્પી શકું છું હું તને પણ એ જ સ્થાને, આવ!

– હિમલ પંડ્યા ‘પાર્થ’