જગ આખાને કીટ્ટા કહીને મારે તમને મળવું છે

જગ આખાને કીટ્ટા કહીને મારે તમને મળવું છે,
સંજોગોને થપ્પો દઇને મારે તમને મળવું છે.

જાણું છું મારી જેમ જ વડવાનલ લઇને બેઠા છો,
ધીર નદીનું ખળખળ થઇને મારે તમને મળવું છે.

યુગોની ઉત્કંઠા છે ને ચાલ સમયની શતરંજી,
પળ બે પળને ચોરી લઇને મારે તમને મળવું છે.

ઉંબર પર અટકી જાઉં પણ રોકી કેમ શકું મનને?
જે સરહદથી આગળ જઇને મારે તમને મળવું છે.

ધસમસતા વ્હેણો ખાળીને વાંછટમાં ભીજાશું બસ,
બે-ત્રણ આંગળ છેટાં રહીને મારે તમને મળવું છે.

– 

Leave a comment

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.