શમણાઓ વિહોણી રાત નથી ગમતી મને

શમણાઓ વિહોણી રાત નથી ગમતી મને,
માણસાઈ વિનાની વાત નથી ગમતી મને…

આપણી સામે અલગ ને લોકો સામે અલગ,
બદલાતા માણસની જાત નથી ગમતી મને..

અમુલ્ય જીવનની ક્ષણોને કેમ વેડફી નાખું.?
દુનિયાની ફાલતુ પંચાત નથી ગમતી મને…

પરિશ્રમનો પરસેવો સુકાવા નથી દેવો,
દોડતા રહેવા દો નિરાંત નથી ગમતી મને…

જેમને મળીને કંઈ પણ શીખવા ન મળે,
એવા લોકોની મુલાકાત નથી ગમતી મને…

જે પણ કહેવું હોય તે મારા મોઢા પર કહો,
સંબંધોમાં ઝેરની સોગાત નથી ગમતી મને…

– બરકત વીરાણી ‘બેફામ’

હતા જે પ્રણયની મજાના પ્રસંગો

હતા જે પ્રણયની મજાના પ્રસંગો,
હવે થઇ ગયા છે પીડાના પ્રસંગો…

ખરા એ જ તો છે કથાના પ્રસંગો,
બધાથી જે રાખ્યા છે છાના પ્રસંગો…

અમે તો ફક્ત મસ્ત થઇ ભાગ લીધો,
હતા એ બધા તો સુરાના પ્રસંગો…

રડીને અમે સાથ દીધો છે એને,
અમે સાચવ્યા છે ઘટાના પ્રસંગો…

બહુ મોટી તક હોય છે ગુપ્ત એમાં,
ગણો છો તમે જેને નાના પ્રસંગો…

નથી હોતો રસ જેને નિજના જીવનમાં,
જુએ છે સદા એ બીજાના પ્રસંગો…

બધાનાં ખુશી-ગમ હશે એક સરખાં,
ભલેને અલગ હોય બધાના પ્રસંગો…

બન્યા એ જ તારી પ્રતિક્ષાના દિવસો,
હતા જે તને ભૂલવાના પ્રસંગો…

સદા એ રીતે હાથ ખાલી રહ્યો છે,
સદા હોય જાણે દુઆના પ્રસંગો…

જમાનાએ એની જ ઇર્ષ્યા કરી છે,
મળ્યા એક બે જીવવાના પ્રસંગો…

મરીને મેં એક સામટા ઊજવ્યા બેફામ,
જીવનમાં હતા જે કઝાના પ્રસંગો…

– બરકત વીરાણી ‘બેફામ’

સ્વજન કહેવાય છે કોને, તમે આવો તો હું જાણું

સ્વજન કહેવાય છે કોને, તમે આવો તો હું જાણું,
સદન કહેવાય છે કોને, તમે આવો તો હું જાણું…

અજાણ્યા રહીને મેં તો, મારી બરબાદી જ કીધી છે,
જતન કહેવાય છે કોને, તમે આવો તો હું જાણું…

નજર સામે ફક્ત મેં તો, ચમકતો ચાંદ જોયો છે,
વદન કહેવાય છે કોને, તમે આવો તો હું જાણું…

હવો તો કોઇ દ્રષ્ટી સાથ મેળવતું નથી દ્રષ્ટી,
નયન કહેવાય છે કોને, તમે આવો તો હું જાણું…

હું સાચું રુપ એનું જાણવા માટે તો જાગું છું,
સ્વપ્ન કહેવાય છે કોને, તમે આવો તો હું જાણું…

વગર જાણ્યે દીવાના જેમ હસવાનું જ છે મારે,
રુદન કહેવાય છે કોને, તમે આવો તો હું જાણું…

વસંત ને પાનખર બંને મને સરખી જ લાગે છે,
સુમન કહેવાય છે કોને, તમે આવો તો હું જાણું…

હજી હમાણાં સુધી તો મારે પથ્થરથી પનારા છે,
રતન કહેવાય છે કોને, તમે આવો તો હું જાણું…

મને તો છે સમંદર જેમ મર્યાદા કિનારાની,
વહન કહેવાય છે કોને, તમે આવો તો હું જાણું…

વિરહને તો તમે આવો નહીં તો પણ હું જાણું છું,
મિલન કહેવાય છે કોને, તમે આવો તો હું જાણું…

ધરા પર પગ નથી ટકતા અને બેફામ બોલે છે,
ગગન કહેવાય છે કોને, તમે આવો તો હું જાણું…

– બરકત વીરાણી ‘બેફામ’

સારા વિચાર સાથ અનુભવ બુરા હશે

સારા વિચાર સાથ અનુભવ બુરા હશે,
સૌને જે એક માનશે, એ એકલા હશે…

મારો ખુદા તો એ જે કરે છે સુખી મને,
જે દે છે દુઃખ મને, એ બીજાનો ખુદા હશે…

ગમ-દર્દ મારે કાજ ભલે સત્ય થઇ ગયાં,
સંતોષ છે કે કોઇની એ કલ્પના હશે…

જીવન એ જગનાં ઝેર પીવાનું જ્યાં ભાન હો,
એ તો મરણ હશે જ્યાં મદદમાં સુરા હશે…

નહિ તો કોઇ જીવન ના બગાડત શરાબથી,
શી જાણ, જેવું દર્દ છે એવી દવા હશે…

જીવન અગર હો સ્વપ્ન, અગર હો મૃત્યુ નીંદ હો,
જાગ્યા વિના જ સૌએ અહીં સૂઇ ગયા હશે…

દુઃખ એ નથી કે એણે પ્રણય પર હસી દીધું,
દુઃખ એ જ છે કે ત્યાર પછી એ રડ્યાં હશે…

બેફામ ખાલી હાથ નહીં હોય કોઇના,
જો કંઇ નહીં હશે તો દુઆથી ભર્યા હશે…

– બરકત વીરાણી ‘બેફામ’

સર્વ વસ્તુ વસંત કેરી હવા ના લાગે

સર્વ વસ્તુ વસંત કેરી હવા ના લાગે,
એવું ના થાય, ખિઝાં મારી વિકસવા લાગે…

એ વિચારો કે જે રાતે નથી ઊંઘવા દેતા,
એને હું જોઉં દિવસના તો એ સપનાં લાગે…

પ્યાર મોહતાજ બને શબ્દનો એની પહેલાં,
કોઇ આ મારા નયનભાવ સમજવા લાગે…

એટલું દુઃખ ન મળે, એવી ન તનહાઇ મળે,
રમ્ય દ્રશ્યો બધાં કુદરતનાં દિલાસા લાગે…

એમના જેવું દયાપાત્ર બીજું કોણ હશે?
જેઓ કંઇ દુઃખ ન પડ્યું હો ને દીવાના લાગે…

ખેલ કરજો ન કોઇ એવા હ્રદયની સામે,
પ્રીત કહેવાય છે જે એ મને માયા લાગે…

જીંન્દગીના જો પ્રસંગોની મજા લેવી હો,
એ રીતે એને નિહાળો કે તમાશા લાગે…

માત્ર તેઓ જ પિછાણે છે ખરાં પાણીને,
જેમની દ્રષ્ટિએ ખુદ ઝાંઝવાં પ્યાસ લાગે…

એ જો માનવને મળે, થાય કયામત બેફામ,
એવા દિવસો કે જે અલ્લાહને વસમા લાગે…

– બરકત વીરાણી ‘બેફામ’

સફળતા જીંદગીની, હસ્તરેખામાં નથી હોતી

સફળતા જીંદગીની, હસ્તરેખામાં નથી હોતી,
ચણાયેલી ઈમારત એના નકશામાં નથી હોતી…

સુભાગી છે સિતારા કે ગણતરી થાય છે એની,
પ્રણયમાં નહિ તો કોઈ ચીજ ગણનામાં નથી હોતી…

મને દીવાનગી મંજૂર છે આ એક બાબત પર,
મહોબ્બતની મજા તમને સમજવામાં નથી હોતી…

તમે મારાં થયાં નહિ તોય મારાં માનવાનો છું,
કમી સચ્ચાઈમાં હોય છે, ભ્રમણામાં નથી હોતી…

વધુ હસવાથી આંસુ આવતાં જોઈને પૂછું છું,
અસર એનાથી ઊલટી કેમ રોવામાં નથી હોતી?

હવે આથી વધુ શું ખાલી હાથે દિન વિતાવું હું?
કે મારી જીંદગી પણ મારા કબજામાં નથી હોતી…

ન શંકા રાખ કે મારી ગરીબી બહુ નિખાલસ છે,
છે એ એવી દશા જે કોઈ પરદામાં નથી હોતી…

ધરાવે છે બધા મારા જ પ્રત્યે સંકુચિત માનસ,
જગા મારે જ માટે જાણે દુનિયામાં નથી હોતી…

કોઈ આ વાત ને સંજોગનો સ્વીકાર ના માને,
જગતની સૌ ખુશી મારી તમન્નામાં નથી હોતી…

મને છે આટલો સંતોષ દુનિયાની બુરાઈનો,
વિકસવાની તો શક્તિ કોઈ કાંટામાં નથી હોતી…

બધે મારાં કદમની છાપ ના જોયા કરે લોકો,
કે મંઝિલ મારી મારા સર્વ રસ્તામાં નથી હોતી…

મળ્યો છે સૌને જીવનમાં સમય થોડોક તો સારો,
ફિકર પોતાની કોઈનેય નિદ્રામાં નથી હોતી…

બીજા તો શું મને અંધકારમાં રાખીને છેતરશે?
કે મારી જાત ખુદ મારીય છાયામાં નથી હોતી…

ગઝલમાં એ જ કારણથી હું મૌલિક હોઉં છું ‘બેફામ’
પીડા મારાં દુ:ખોની કોઈ બીજામાં નથી હોતી…

– બરકત વીરાણી ‘બેફામ’

સપના રૂપેય આપ ન આવો નજર સુધી

સપના રૂપેય આપ ન આવો નજર સુધી,
ઊડી ગઈ છે નીંદ હવે તો સહર સુધી…

મારા હ્રદયને પગ નીચે કચડો નહીં તમે,
કે ત્યાંના માર્ગ જાય છે ઈશ્વરના ઘર સુધી…

શ્રદ્ધાની હો સુવાસ પ્રતિક્ષાનો રંગ હો,
એવાં ફુલો ખીલે છે ફક્ત પાનખર સુધી…

આંખોમાં આવતાં જ એ વરસાદ થઈ ગયા,
આશાનાં ઝાંઝવાં જે રહ્યાતાં નજર સુધી…

મૈત્રીનાં વર્તુળોમાં જનારાની ખેર હો,
નીકળી નહીં એ નાવ જે પહોંચી ભંવર સુધી…

ઉપકાર મુજ ઉપર છે જુદાઈની આગનો,
એક તેજ સાંપડ્યું છે તિમિરમાં સહર સુધી…

મંઝિલ અમારી ખાકમાં મળતી ગઈ સદા,
ઊઠતા રહ્યા ગુબાર અવિરત સફર સુધી…

‘બેફામ’ તો’યે કેટલું થાકી જવું પડ્યું,
નહિ તો જીવનનો માર્ગ છે ઘરથી કબર સુધી…

– બરકત વીરાણી ‘બેફામ’

સતત ચાલ્યા કરી છે હર ઘડી, જીવનના રસ્તા પર

સતત ચાલ્યા કરી છે હર ઘડી, જીવનના રસ્તા પર,
ગતિ કાયમ રહી છે શ્વાસની, જીવનના રસ્તા પર…

હતું દુઃખ એ જ થોડી વાર પણ અટકી શકાયું નહીં,
નહીં તો મંઝીલો આવી ઘણી, જીવનના રસ્તા પર…

સુખી જીવનના અરમાનો સુવાસી ફૂલ જેવા છે,
તપે દુઃખમાં તો કરમાતાં ઉદાસી ફૂલ જેવા છે…

પરંતુ જો વહી નીકળે છે આંસુમાં તો લાગે છે,
સમંદર માંહે પધરાવેલ વાસી ફૂલ જેવા છે…

જીવન વિનાય જીવવાનો પ્રચાર કરવો છે,
મરણનો એક અનોખો પ્રકાર કરવો છે…

ડૂબી જશું ત્યાં ચણાશે કોઇ દીવાદાંડી,
સમુદ્રમાંય અમારે મઝાર કરવો છે…

મન તણા મુક્ત વિહારોમાં નથી પડતો રસ,
જગની ઘટમાળામાં ફરવાની ચડે છે આળસ…

થાય છે મોત પછી જીવવા રાહત સાથે,
જીંદગીના હું બચાવી લઉં થોડાક દિવસ…

– બરકત વીરાણી ‘બેફામ’

સંકુચિત માન્યો મને એને એ સમજાયું નહીં

સંકુચિત માન્યો મને એને એ સમજાયું નહીં,
દિલ તને દીધા પછી દુનિયાને દેવાયું નહીં…

મેં કર્યો એક જ સ્થળે ઊભા રહીને ઇન્તઝાર,
એટલે તારા સુધી મારાથી પહોંચાયું નહીં…

આપનો પરદો વિરહની રાતના જેવો જ છે,
આપને જોતો રહ્યો ને કાંઇ દેખાયું નહીં…

થઇ ગયો કુરબાન હું તો આ જગતમાં કોઇ પર,
મોત આવે ત્યાં સુધી મારાથી જીવાયું નહીં…

જેને દર્શાવ્યું મેં એણે ફેરવી લીધી નજર,
મારી એકલતાનું દુઃખ કોઇથી જોવાયું નહીં…

સાથ મારા શત્રુનો લેવો પડ્યો એ કાર્યમાં,
મારે હાથે તો જીવન મારું મિટવાયું નહીં…

મારું જીવનકાર્ય મિત્રોએ કર્યું મર્યા પછી,
સૌ રડ્યા બેફામ જ્યારે મુજથી રોવાયું નહીં…

– બરકત વીરાણી ‘બેફામ’

શુષ્ક જીવનની ઉપર અશ્રુ અમારાં નીકળ્યાં

શુષ્ક જીવનની ઉપર અશ્રુ અમારાં નીકળ્યાં,
કેવું આશ્ચર્ય કે રણમાંય ફુવારા નીકળ્યાં…

ચાલ દિલ, મારી સફરનો તો કોઇ અંત નથી,
મંજીલો માની હતી એય ઉતારા નીકળ્યાં…

કોઇ એવાય મુસાફરને મળે એક રહેબર,
જેઓ ઘરમાં જ રહી ભટકી જનારા નીકળ્યાં…

મારી રાત્રિનું નવું રૂપ કદીયે ન મળ્યું,
રોજ એક સાંજ ઢળી રોજ સિતારા નીકળ્યાં…

હું ડૂબ્યો એના પછીનું આ પરિવર્તન જો,
જ્યાં હતો માત્ર સમંદર ત્યાં કિનારા નિકળ્યાં…

મારી આશાઓ મળી ગઇ હતી જે માટીમાં,
જોયું તો અન્યના મહેલોના મિનારા નીકળ્યાં…

હાથ તો લાંબા કર્યા કિન્તુ પછાડી દેવા,
બૂરી હાલતમાં બધા બૂરા સહારા નીકળ્યાં…

આ વિરહરાતે ગણતરી તો પૂરી થઇ ગઇ છે,
શોધવું પડશે હવે ક્યાંથી સિતારા નીકળ્યાં…

એ ભટકતા જ રહ્યાં મરતાં સુધી દુનિયામા,
બહાર જે તારા સદનમાંથી બિચારા નીકળ્યાં…

એ જ એક દુઃખની ઉપર અશ્રુ વહે છે બેફામ,
હાસ્યની ઓથમાં અરમાન અમારા નીકળ્યાં…

– બરકત વીરાણી ‘બેફામ’