યાદ તારી આંસુ આપી જાય છે

યાદ તારી આંસુ આપી જાય છે,
માવઠું આવી પલાળી જાય છે.

મેં અહમ્ તોડ્યો છે પાણી જોઈને,
સ્થિર રહેતા લીલ બાજી જાય છે.

તેં કહ્યું કે, “કેમ છે મારા વગર?”,
મેં કહ્યું, “ચાલે છે, ચાલી જાય છે.”

દિન તો ચિંતામાં વીતે,પણ પીઠને-
રાત કાયમ થપથપાવી જાય છે.

કંઈ રીતે તું પૂરી કરીશ?
જિંદગી તો રોજ થાકી જાય છે!

– 

પહોંચી ગઈ જો આજ તો દ્વારે છે પાનખર

પહોંચી ગઈ જો આજ તો દ્વારે છે પાનખર;
આઘા રહો બધાય પધારે છે પાનખર.

જીવન તણા બધા જ પ્રકારે છે પાનખર;
મારા વિશે ઘણુંય વિચારે છે પાનખર.

આદત પડી વિરાન હ્રદયની જ એટલે-
પૂછ્યા કરું છું સૌને કે ક્યારે છે પાનખર.

સૌ પર્ણ એક સાથ ધરા પર પડી ગયા;
જોવોને કેટલી બધી ભારે છે પાનખર !!

અસ્તિત્વ ક્યાં ટકે છે જગતની મહીં જુઓ;
જ્યારે વસંત આવે તો હારે છે પાનખર.

દરિયા મહીં છે મોતી, કિનારા ઉપર છે રેત;
દરિયા મહીં વસંત, કિનારે છે પાનખર.

– 

દરિયા છે સાત તો ય છે લાચાર કેટલાં !!

દરિયા છે સાત તો ય છે લાચાર કેટલાં !!
મોતી ઉપર સદાય અધિકાર કેટલાં !!

એ સારું છે કે મોજા તણો સાથ છે તને,
ક્ષણભરનો ઈન્તઝાર ને કિનાર કેટલાં !!

નદીઓ રડીને આવે છે, આકાશ પણ રડે,
ખારા થવાના આમ છે આધાર કેટલાં.

અત્તર નથી છતાં ય જો મહેકાય છે શીશી,
કે શંખમાં ય હોય છે ભણકાર કેટલાં !!

તૂટી પડેલ નાવ,ખજાના ય કો’કનાં,
એની પાસ છે ભંગાર કેટલાં !!

– 

સ્વપ્નનું સાક્ષી છે મારું ઓશિકું

સ્વપ્નનું સાક્ષી છે મારું ઓશિકું;
એટલે છે સૌથી પ્યારું ઓશિકું.

મા ભલે માને કે એ તો ખોળો છે;
હું સુવું તો એને ધારું ઓશિકું.

મેં વહાવ્યા છે અમૂલા મોતીઓ;
ને મળ્યું છે ખારું ખારું ઓશિકું.

હું સવારે થઈ ગયો અળગો પછી-
જોઈ રહ્યું’તું એકધારું ઓશિકું.

મીઠી મીઠી નીંદ આપે છે મને;
ખારા આંસુને પીનારું ઓશિકું.

– 

મૌનમાં વ્યવહાર હોવો જોઈએ

મૌનમાં વ્યવહાર હોવો જોઈએ,
પ્રેમમાં ક્યાં કોઈ પડઘો જોઈએ?

ઢાંકણીમાં પાણી લઈ હું શું કરીશ?
ડૂબવા માટે તો દરિયો જોઈએ.

આ કળી પણ એમ ઉઘડશે નહીં,
ખીલવા માટે તો તડકો જોઈએ.

એ ખરે છે તો ય ચમકે છે સતત,
ખરતા તારાનેય મોભો જોઈએ.

માનવીની આકૃતિ બદલાઈ ગઈ,
ક્યાં પડ્યો છે ચાલ ગોબો જોઈએ.

રોજ થાકીને ઘરે આવ્યા પછી,
તારા ઘરનો એક ફેરો જોઈએ.

ખાલી નમણા ગાલ પર મોહી પડ્યા?
એની ઉપરનો તો ખાડો જોઈએ?

– રવિ દવે ‘પ્રત્યક્ષ’

મને એમ, ખિસ્સેથી નાણું સર્યું છે

મને એમ, ખિસ્સેથી નાણું સર્યું છે,
પછી જાણ થઈ કોઈ દિલથી ગયું છે.

બધા એને મૃગજળ કહે છે પરંતુ,
તને જોઈ રણ પાણી પાણી થયું છે.

જમાનાને મોઢે બહુ સાંભળ્યું’તું,
મને આપનામાં ક્યાં એવું મળ્યું છે?

હંમેશા તું આવીને વળગી પડે છે,
ઉદાસી! તને શું બીજુ આવડ્યું છે?

સમય નામના પંખીમાંથી જ ‘પ્રત્યક્ષ’,
હયાતીનું દરરોજ પીંછું ખર્યું છે.

– રવિ દવે ‘પ્રત્યક્ષ’

ચાહું એવા શબ્દને આધીન છે

ચાહું એવા શબ્દને આધીન છે;
પેનમાં મારી તો જાણે જીન છે!

સ્પર્શના અવશેષ પણ મળતા નથી;
આ હથેળી કેટલી પ્રાચીન છે.

બાળપણ,જુવાની અંતે વૃદ્ધતા;
આપણી બાજીમાં પત્તી તીન છે.

આપનો ચ્હેરો જ માગે છે સતત;
આ અરીસો કેટલો શોખીન છે!

કોકને સુખ ઊંઘવા દેતું નથી;
મારી નજરે એ જ મોટો દીન છે.

– રવિ દવે ‘પ્રત્યક્ષ’

એ સીધું ને સપાટ બોલે છે

એ સીધું ને સપાટ બોલે છે;
જિંદગી સડસડાટ બોલે છે.

“પાછું મારે તો ઝાડ થાવું છે”;
ઘર મહીંનું કબાટ બોલે છે.

સુખ વિશે ના કહી શકે એ ગરીબ;
દુઃખ વિશે કડકડાટ બોલે છે !!

જે પડી રહે છે, કામ આવે ના;
ઘરની જુની એ ખાટ બોલે છે !!

બોલે છે પૈસો જો તવંગરનો;
શ્રમજીવીનું લલાટ બોલે છે!!

– રવિ દવે ‘પ્રત્યક્ષ’

એ રીતે જોઈ રહ્યો મારા તરફ

એ રીતે જોઈ રહ્યો મારા તરફ,
કોઈ જોતું જેમ કેમેરા તરફ.

માન મોભાની જો છત થથરી ગઈ,
તો મુક્યો વિશ્વાસ મેં પાયા તરફ.

એ નદીના આંસુનું વર્ણન પુછે,
ધ્યાન મારું જાય પરપોટા તરફ.

તું તો મુંગો થઈ ગયો પથ્થર બની,
કંઈ રીતે જોવું હવે તારા તરફ?

કોઈએ પુછ્યું બગીચો ક્યાં હશે?
હાથ ચીંધ્યો તારા ઈલાકા તરફ.

– રવિ દવે ‘પ્રત્યક્ષ’

હ્યદય, મન, લાગણી, સુખ ને અમારું જીવવા જેવું

હ્યદય, મન, લાગણી, સુખ ને અમારું જીવવા જેવું,
બધું આપી દીધું છે આપને તો આપવા જેવું.

હવે નીરખી જ લેવા દો તમારો આજ આ ચ્હેરો,
ઘણા દિવસો પછી પુસ્તક મળ્યું છે વાંચવા જેવું.

હું છું દિપક ને સળગ્યો છું, પ્રકાશિત છું,
મને ના ઓલવો આપી જગતની કો’ હવા જેવું.

ઘણાં વર્ષો થયા અમને મળ્યું ના સુખ આ જીવનમાં,
અમે ભાળી ગલી તારી તો લાગ્યું ત્યાં જવા જેવું.

નવી શરુઆત કરવી છે પ્રણયમાં એટલા માટે,
હ્રદય પર કોતરી લીધુ છે મેં તો શ્રી સવા જેવું.

હવે તારા નયનમાં કૈફ જોવા પણ નથી મળતો,
હવે કોઈ જ કારણ ક્યાં રહ્યું છે ચાહવા જેવું !!

મટાડી દેતી ઘાવોને જરા બસ ફૂંકમાં ‘પ્રત્યક્ષ’,
હશે માતાની એ એક ફૂંકની અંદર દવા જેવું.

– રવિ દવે ‘પ્રત્યક્ષ’